બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ હવે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ શકે છે. ‘વર્ષ 2014માં દેશને સાચી આઝાદી મળી’ તેવા નિવેદન બદલ કંગના રનૌત સામે હવે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ શકે છે. આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
ધિમંત બઢિયાએ તેમના વકીલ મારફતે લાગણી દુભાઇ હોવાની પોલીસને અરજી આપી છે. મહત્વનું છે કે, કંગના રનૌતે કહ્યું હતું કે, ‘દેશને 1947 માં જે આઝાદી મળી તે ભીખમાં મળી હતી. સાચી આઝાદી તો દેશને 2014માં મળી’. આ નિવેદન બાદ કંગના રનૌતનો વિરોધ થઇ રહ્યો છે અને અત્યાર સુધી તેના પર 4 FIR પણ દાખલ થઇ ચૂકી છે.
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતના “ભીખમાં આઝાદી” મેળવવા અંગેના વિવાદાસ્પદ નિવેદન પર દેશભરમાં કંગના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ તેની વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. રાજકીય પક્ષોના નેતાઓએ આ નિવેદનની ટીકા કરી છે.
કંગનાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતને સાચા અર્થમાં 2014માં આઝાદી મળી હતી. તેમનો ઈશારો ભારતીય જનતા પાર્ટી (BJP) પર હતો.ઉત્તરાખંડના હરિદ્વારમાં કોંગ્રેસના કાર્યકરો (Congress workers) એ બે જગ્યાએ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રૂડકી અને જ્વાલાપુરમાં નોંધાયેલી ફરિયાદોમાં કંગના પર સ્વતંત્રતા સંગ્રામના શહીદોનું અપમાન કરવાનો આરોપ છે.
મહિલા કોંગ્રેસ વતી ફિલ્મ અભિનેત્રી (Film actress) વિરુદ્ધ રાજસ્થાનના ચાર શહેરો જોધપુર, જયપુર, ઉદયપુર અને ચુરુમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોધપુર મહિલા કોંગ્રેસ સમિતિ (Congress Committee)ની અધ્યક્ષ મનીષા પંવારે ફરિયાદમાં કહ્યું કે, કંગના રનૌતે પોતાના નિવેદન દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ અને દેશના લોકોનું અપમાન કર્યું છે, જે ‘રાજદ્રોહ’ની શ્રેણીમાં આવે છે.
આ સિવાય આમ આદમી પાર્ટી (AAP) એ મુંબઈ પોલીસને ફરિયાદ અરજી આપી હતી, જેમાં કંગના રનૌત વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી. જેમાં કંગના વિરુદ્ધ આઈપીસીની કલમ 504, 505 અને 124 (A) હેઠળ કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી. AAP કાર્યકર્તાઓએ ગાઝિયાબાદમાં પણ ફરિયાદ નોંધાવી છે. અગાઉ શિવસેનાએ પણ કહ્યું હતું કે, કંગના સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ અને તેનો પદ્મશ્રી એવોર્ડ પણ પાછો લેવો જોઈએ. કંગનાએ તાજેતરમાં જ આ વિવાદાસ્પદ નિવેદન તેને પદ્મશ્રી એવોર્ડ અપાયાના એક દિવસ બાદ આપ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની શિક્ષણ મંત્રીની જાહેરાત