ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમામ પ્રકારની પ્રતિભાઓ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે નિષ્ણાત છે. ઘણા ઓછા કલાકારો છે જેમણે આ ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો હોય અને તેમાં સફળતા મેળવી હોય. બોલિવૂડના લેખક, દિગ્દર્શક, નિર્માતા, ગાયક અને હવે અભિનેતા ફરહાન અખ્તર (Farhan Akhtar)એ કેટલીક પ્રતિભાઓ પૈકી એક છે.
તેને બોલિવૂડનો ઓલરાઉન્ડર કહેવામાં આવે તો ખોટું નહીં હોય. ફરહાને જે પણ ક્ષેત્રમાં પ્રયાસ કર્યો, તેમાં સફળતા મળી. આજે તેમનો જન્મદિવસ છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.
ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. ફરહાનના પિતા જાવેદ અખ્તર ઉદ્યોગના દિગ્ગજ કલાકાર છે અને માતા હની ઈરાની એક્ટ્રેસ અને પટકથા લેખક છે. ફરહાનને બાળપણથી જ એવું વાતાવરણ મળ્યું કે જ્યાં બધે લેખન અને સિનેમાની ચર્ચા હતી.
તેમના પિતાની ગણના આજે પણ શ્રેષ્ઠ લેખકોમાં થાય છે. ફરહાને તેની કરિયર એક સહાયક નિર્દેશક તરીકે શરૂ કરી અને પછી પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને પછી દિગ્દર્શન કર્યું. આ પછી એક્ટિંગ ક્ષેત્રે આવીને અહીં પણ સફળતા મેળવી હતી.
ફરહાને પોતાના કરિયરની શરૂઆત 1991માં ‘લમ્હે’ અને 1997માં ‘હિમાલય પુત્ર’થી કરી હતી. તેને ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવામાં સમય લાગ્યો. પિતાનું નામ આટલું હોવા છતાં ફરહાને પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે. 1999માં તેણે રિતેશ સિધવાની સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’ શરૂ કરી.
આ પછી તેણે તેની પહેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. આ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આની સફળતા પછી તેણે ફિલ્મ ‘લક્ષ્ય’નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ હજુ પણ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં ગણાય છે.
આ પછી તેણે શાહરૂખ ખાનની ‘ડોન’ પણ ડિરેક્ટ કરી, તેની લગભગ તમામ ફિલ્મો હિટ સાબિત થઈ. ફરહાને તેની અભિનય કારકિર્દીની શરૂઆત ‘ ફકીર ઓફ વેનિસ’ થી કરી હતી, પરંતુ ફિલ્મ મોડી રિલીઝ થઈ હતી અને તેની સત્તાવાર ડેબ્યૂ ફિલ્મ અભિષેક કપૂરની ‘રોક ઓન’ માનવામાં આવે છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેણે આ ફિલ્મમાં ઘણા ગીતો પણ ગાયા છે. આ ફિલ્મ દ્વારા તેમની અંદર રહેલા પ્લેબેક સિંગરને બહાર આવવાની તક આપી.
ત્યારબાદ તેણે તેની બહેન ઝોયા અખ્તરની ફિલ્મ ‘લક બાય ચાન્સ’ કરી હતી. તે પછી ‘કાર્તિક કૉલિંગ કાર્તિક’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો’, ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’, ‘વઝીર’, ‘લખનૌ સેન્ટ્રલ’, ‘ધ સ્કાય ઇઝ પિંક’, અને ‘તુફાન’માં કામ કર્યું હતું.
તેનો શ્રેષ્ઠ અભિનય ‘ભાગ મિલ્ખા ભાગ’માં જોવા મળ્યું હતું. આ ફિલ્મ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ હતી. આ માટે તેને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેણે દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે કારણ કે તેણે દરેક કાર્ય કાળજીપૂર્વક કર્યું છે.
આ પણ વાંચો : Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો