
બોલિવૂડના પ્રખ્યાત એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. બંને પોતાના સંબંધોને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. થોડા સમય પહેલા ગોવિંદાને ઘણી વખત તેમની કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોવા મળ્યા હતા, જેના કારણે બંનેના અફેયરની અટકળો શરૂ થઈ ગઈ હતી.
બીજી તરફ સુનીતા આહુજાએ પણ આરોપ લગાવ્યો હતો કે, ‘ગોવિંદા’ કોમલ રાણી સ્વર્ણકાર સાથે લગ્ન કરવાના હતા, જેથી તેમણે પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. જો કે, હવે સુનિતા આહુજા અને ગોવિંદાના સંબંધ પાટા પર પરત ફરતા નજરે આવી રહ્યા છે. સુનિતાએ પોતે તાજેતરમાં દાવો કર્યો છે કે, તેમને અને ગોવિંદાને કોઈ પણ અલગ કરી શકે તેમ નથી.
સુનિતા આહુજાએ પિંકવિલા સાથેની વાતચીત દરમિયાન ગોવિંદા સાથેના પોતાના દિવાળીના દિવસોને યાદ કર્યા. સુનિતા આહુજાએ જણાવ્યું કે, ગોવિંદા તેમને અવારનવાર દિવાળી પર સોનું ખરીદવા માટે લઈ જતા હતા. તેમણે આશા વ્યક્ત કરતા આગળ કહ્યું કે, જલ્દી જ તે દિવસો આપણા ફરીથી આવશે.
ગોવિંદા વિશે વાત કરતા સુનીતા આહુજાએ આગળ કહ્યું, “તેઓ કહે છે કે… હું ગાળો બોલું છું, ખરાબ ભાષા બોલું છું પણ કોણ નથી બોલતું? જો હું ચી ચી સામે ઔપચારિક રીતે વાત કરું તો મજા નહીં આવે. હું તે છું જેને હસવું અને મજા કરવી ગમે છે.”
સુનિતા આહુજાએ ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, તેમણે પોતાના અને ગોવિંદાના લગ્ન પર હાર માની નથી. સુનિતા આહુજાએ આગળ કહ્યું, “સ્વાભાવિક છે કે, તે દિવસો આપણે ફરીથી જોઈશું. હજુ સમય આપણા પક્ષમાં નથી અને તમે સમય સામે લડી શકતા નથી. આ 40 વર્ષના લગ્ન છે તો આ કેમ નહીં ટકે? ઠીક છે, જે તેમને ગમે છે, તે કરે છે. હું કામ કરી રહી છું, મારું પૂરું ધ્યાન અત્યારે કામ પર છે પરંતુ કોઈ પણ આપણને આ જિંદગીમાં અલગ કરી શકે તેમ નથી. બાકી બધું મેં ઉપરવાળા પર છોડી દીધું છે. ભગવાન સિવાય હું કોઈને કંઈ નથી કહેતી. હવે જે પણ આપણા માટે સાચું હશે, ભગવાન તે આપણને ચોક્કસ આપશે.”