
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’ ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, નિર્માતા દિનેશ વિજન હવે આ ફિલ્મને ઓગસ્ટ 2026 ના મહિનામાં રિલીઝ નહીં કરે. મેકર્સે ‘ઈથા’ ની રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય લીધો છે અને તેની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.
નિર્માતા દિનેશ વિજન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમની ફિલ્મ ‘ઈથા’ ડિસેમ્બર 2026 માં રિલીઝ થશે. ફિલ્મ ‘ઈથા’ નું નિર્દેશન ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે કર્યું છે, જેમણે બોક્સ ઓફિસ પર ‘છાવા’ જેવી હિટ ફિલ્મ આપી હતી. દર્શકોને શ્રદ્ધા કપૂર અને લક્ષ્મણ ઉતેકરની ‘ઈથા’ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે.
નિર્માતા દિનેશ વિજને અચાનક શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘ઈથા’ ની રિલીઝ ડેટમાં ફેરફાર શા માટે કર્યો છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. એવું સાંભળવા મળી રહ્યું છે કે, મેકર્સ આ પ્રોજેક્ટને ઓગસ્ટ 2026 સુધીમાં પૂરો કરી શકશે નહીં, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે.
ટૂંકમાં, મેકર્સ ‘ઈથા’ ને 4 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક પોસ્ટ દ્વારા ફેન્સને જાણકારી આપી છે કે, શ્રદ્ધાની ‘ઈથા’ માં રણદીપ હુડ્ડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબનો પણ મહત્વનો રોલ હશે.
લક્ષ્મણ ઉતેકર અને દિનેશ વિજનની જોડીએ થોડા સમય પહેલાં ‘છાવા’ જેવી બ્લોકબસ્ટર મૂવી આપી હતી, જેમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાએ મહત્વના પાત્રો ભજવ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્નાએ શાનદાર અદાકારી કરી હતી, જેમને ઔરંગઝેબના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
‘છાવા’ એ બોક્સ ઓફિસ પર કમાલની કમાણી કરી હતી અને દિનેશ વિજન-લક્ષ્મણ ઉતેકરની જોડી છવાઈ ગઈ હતી. લોકોને આશા છે કે, જ્યારે ‘ઈથા’ સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તે પણ દર્શકોના દિલ પર છવાઈ જશે.