Shah Rukh Khan 30 Years : બોલિવૂડ સ્ટાર અને પીઢ અભિનેતા શાહરૂખ ખાને સિનેમા જગતમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. તેને બોલિવૂડના ‘બાદશાહ’ અને ‘કિંગ ખાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 25 જૂન, 1992ના રોજ શાહરૂખ ખાનની (Shah Rukh Khan) પહેલી ફિલ્મ ‘દીવાના’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં ઋષિ કપૂર લીડ રોલમાં હતા, પરંતુ સૌથી વધુ ચર્ચામાં ડેબ્યૂ કરનારો શાહરૂખ ખાન હતો. પહેલી જ ફિલ્મથી તેણે લોકોને પોતાના દિવાના બનાવ્યા અને આજ સુધી તે તેના ચાહકોના દિલમાં રાજ કરી રહ્યો છે. શાહરૂખ ખાને પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી પરંતુ આજે તે બોલિવૂડનો બાદશાહ છે.
શાહરૂખ ખાને પોતાના કરિયરની શરૂઆત સિરિયલ ‘ફૌજી’થી કરી હતી. આ સિરિયલ 1988માં આવી હતી. આ શોથી દર્શકોએ તેને ઘણો પ્રેમ આપ્યો હતો. આ પછી પણ કિંગ ખાને લાંબા સમય સુધી ટીવી પર જોરદાર કામ કર્યું અને પછી એવો સમય પણ આવ્યો જ્યારે તેને તેની પહેલી બોલિવૂડ ફિલ્મ દિવાના મળી. શનિવાર, 25 જૂને તેમના કરિયરની પ્રથમ ફિલ્મ ‘દીવાના’ની રિલીઝને 30 વર્ષ પૂર્ણ થયા છે.
કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે શાહરુખે મોટાભાગે ‘હાઈએસ્ટ ગ્રોસ્ટર ઓફ ધ યર’ની ખ્યાતિ હાંસલ કરી છે. એટલે કે, વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં શાહરૂખ એક ભારતીય અભિનેતા છે. તેણે લગભગ 9 વખત આ ખિતાબ જીત્યો છે. આ પછી સલમાન ખાનનો નંબર આવે છે. આટલું જ નહીં, 1990 પછી શાહરૂખ ખાન પાસે સૌથી વધુ બમ્પર બોક્સ ઓફિસ ઓપનર છે. બમ્પર ઓપનર મેળવવું એ સુપરસ્ટારની ઓળખ છે.
શાહરૂખ ખાનનું ઘર દુનિયાના સૌથી લક્ઝુરિયસ ઘરોની યાદીમાં સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘરની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં બંગલાનો એક રૂમ કેટલામાં ભાડે મળશે તેની માહિતી શાહરૂખ ખાને પોતે આપી છે. શાહરૂખ ખાને એકવાર તેના ચાહકો માટે Ask SRKનું એક સત્ર યોજ્યું હતું. આ દરમિયાન એક ચાહકે તેને તેના બંગલા મન્નતના રૂમના ભાડા વિશે પૂછ્યું. જેના જવાબમાં કિંગ ખાને ટ્વીટ કરીને લખ્યું કે, ’30 વર્ષની મહેનત લાગશે’.
શાહરૂખ ખાન 56 વર્ષનો થઈ ગયો છે. ફિલ્મ ‘ઝીરો’ બાદ તે એકવાર ફિલ્મમાંથી કમબેક કરવા જઈ રહ્યો છે. હાલમાં તેના હાથમાં ઘણી ફિલ્મો છે જે રિલીઝ માટે તૈયાર છે. ‘પઠાણ’, ‘જવાન’, ‘ડંકી’ કિંગ ખાનની આગામી ફિલ્મો છે. આ સિવાય તમને ‘બ્રહ્માસ્ત્ર’, ‘ટાઈગર 3’, ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’માં તેનો કેમિયો રોલ જોવા મળશે.
શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ‘દીવાના’ ઉપરાંત ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘બાઝીગર’, ‘ડર’, ‘કરણ અર્જુન’, ‘યસ બોસ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘બાદશાહ’, મોહબ્બતેં’, ‘દેવદાસ’, ‘મૈં હું ના’, ‘સ્વદેશ’, ‘ડોન 2’ બધી તેની સુપર ડુપર હિટ ફિલ્મો રહી છે.