બોલિવુડના કિંગ શાહરૂખ ખાન આજે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ પ્રસંગે તેમણે તેમની મોસ્ટ અવેટેડ એક્શન-થ્રિલર ફિલ્મ “કિંગ” ના ટાઇટલની શાનદાર જાહેરાત કરીને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પર માર્ફ્લિક્સ પિક્ચર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફિલ્મનું એક ટીઝર રિલીઝ કર્યું, જેમાં ટાઇટલની જાહેરાત કરવામાં આવી.
આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. દર વર્ષે 2 નવેમ્બરને વિશ્વભરમાં ‘SRK Day’ તરીકે ઉજવવામાં આવે છે અને આ વખતે તો “કિંગ” ના ધમાકેદાર ટીઝરથી ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાનના દમદાર એક્શન લુકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મ માર્ફ્લિક્સ પિક્ચર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ બંને દ્વારા સાથે મળીને બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2026 માં રિલીઝ થશે અને શાહરૂખ ખાન નવા અવતારમાં જોવા મળશે.
‘પઠાણ’ બાદ સિદ્ધાર્થ આનંદે અને શાહરૂખ ખાને ‘કિંગ’ માટે ફરી એકવાર હાથ મિલાવ્યો છે. આ એક હાઇ-ઓક્ટેન એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે. આ ફિલ્મમાં સ્ટાઇલ, સ્વેગ અને ભરપૂર થ્રિલ જોવા મળશે. ‘King’ ને સિદ્ધાર્થ આનંદની અત્યાર સુધીની સૌથી ‘મોટી’ ફિલ્મ માનવામાં આવી રહી છે. આ વખતે તેણે પોતાની સિગ્નેચર એક્શન સ્ટાઇલને નવા લેવલે લઈ જવાનો પ્રયાસ કર્યો છે.
ટીઝરમાં ફેન્સે એક ઇન્ટરેસ્ટિંગ ઇસ્ટર એગ પણ જોયું. આમાં શાહરૂખ ખાન ‘કિંગ ઓફ હાર્ટ્સ’ કાર્ડનો હથિયાર તરીકે ઉપયોગ કરતો જોવા મળે છે. શાહરૂખનો સિલ્વર હેર લુક, કાનના એક્સેસરીઝ અને કિલર સ્ટાઇલથી ફેન્સ તેના પર ફિદા થયા છે. શાહરૂખ ખાન આજે અલીબાગમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો સાથે 60મો જન્મદિવસ ઉજવવા માટે તૈયાર છે.