
ફ્લોપ ફિલ્મોના લાંબા સિલસિલા બાદ હવે રણવીર સિંહે બોલિવૂડમાં પોતાની વાપસીના ઢોળકા વગાડ્યા છે. પોતાના 40મા જન્મદિવસે એક્ટરે પોતાની આગામી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ કરીને ઈન્ડસ્ટ્રીના હરીફોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે હું વધુ તાકાતથી પરદે પાછો ફરી રહ્યો છું. પોતે ઘવાયો છે એટલે વધુ ખતરનાક છે. એવો ખુલ્લો ચેલેન્જ રણવીર તરફથી આવ્યો છે.
ફિલ્મના ફર્સ્ટ લુકમાં રણવીર સિંહ એક શક્તિશાળી અને ડરામણા નાયક તરીકે જોવા મળે છે. તેની ઘાતક નજરો, કસાયેલી બોડી અને લાંબા વાળથી સ્પષ્ટ થાય છે કે એક્ટરે પોતાના પાત્રમાં જીવ ભરવા માટે શારીરિક રૂપાંતરમાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં રણવીરે જણાવ્યું કે, “એક મહાદુષ્ટ (નાયક)નો ઉદય થશે અને એ સાથે એક અજાણી સત્યકથાનો પડદો ઉંચકાશે.”
‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ના ડિરેક્ટર આદિત્ય ધરે નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ એક જાસૂસી થ્રિલર છે, જે આવતા મહિને થિયેટરોમાં રિલીઝ થશે. રણવીર સિંહ સાથે આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા તાકતવર અભિનેતાઓ પણ ફિલ્મનો ભાગ બન્યા છે. ફિલ્મની લીડ હિરોઇન તરીકે સારા અર્જુન જોવા મળશે.
ફર્સ્ટ લુકમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ સત્ય ઘટનાઓ પરથી આધારિત છે, પરંતુ સ્ટોરીના અગત્યના પાસાઓ હજી જાહેર કરવામાં આવ્યા નથી. એક્શન થ્રિલર હોવાને કારણે પ્રોમોમાં લોહીની રેલમછેલ જોવા મળે છે. રણવીર ગન અને બોમ્બ સાથે શત્રુઓ પર તૂટી પડે છે, જ્યારે સંજય દત્ત અને અક્ષય ખન્ના હાથે હાથે લડી રહ્યા છે. માધવનનો સેમી બોલ્ડ લુક અને અર્જુન રામપાલનું ખંધુ હાસ્ય દર્શાવે છે કે કંઈક ઘાતક રમકડું ચાલુ છે.
ફિલ્મના ધમાકેદાર લુક અને મજબૂત સ્ટાર કાસ્ટ જોઈને એવી આશા રાખી શકાય કે ‘ધુરંધર’ રણવીર સિંહ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. લાંબા સમય બાદ પરદે રણવીરનો એવો અવતાર જોવા મળશે, જે તેણે પહેલાં ક્યારેય ન આપ્યો હોય. હવે જોવાનું એ છે કે શા માટે ઘવાયેલો રણવીર હવે ‘ધુરંધર’ બનીને સ્ક્રીન પર શું તોફાન લાવે છે…
Published On - 6:33 pm, Sat, 26 July 25