બોલિવૂડનો કિંગ ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ પઠાનને લઈને સતત ચર્ચામાં છે. વર્ષ 2023માં શાહરૂખ ખાનની 3 ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં પઠાન, જવાન અને ડંકીનો સમાવેશ થાય છે. એટલે કે આવનારા વર્ષમાં કિંગ ખાન પોતાની એક્ટિંગથી ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ પઠાનનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરને 4 અલગ-અલગ ભાષાઓ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવ્યું છે. યશરાજ ફિલ્મ્સના સોશિયલ મીડિયા પર પોસ્ટર શેયર કરતા લખ્યું છે કે – કસકર થામ લીજિયે, આપકી રાઈડ ઉતાર-ચઢાવ સે ભરી હોનેવાલી હૈ. આ ફિલ્મને રિલીઝ થવામાં હજુ 55 દિવસનો સમય બાકી છે.
પઠાનનું નવું પોસ્ટર શેયર કરતી વખતે શાહરૂખ ખાને લખ્યું છે – પેટી બાંધ લી હૈ તો ચલે… પોસ્ટરમાં શાહરૂખ ખાને પોતાના હાથમાં બંદૂક પકડી છે. દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમના હાથમાં પણ બંદૂક છે. આ પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ અને તમામ ભાષાઓમાં નામ લખેલું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.
આ પહેલા ફિલ્મ પઠાનનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં એવું કહેવામાં આવ્યું છે – શું જાણો છો તમે પઠાણ વિશે ? 3 વર્ષથી તેના કોઈ સમાચાર નથી, તે તેના લાસ્ટ મિશનમાં પકડાયો હતો. સાંભળ્યું તો બહુ છે કે તેને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો… ખબર નથી કે પઠાન મરી ગયો છે કે જીવે છે? પઠાનનું આ ટીઝર ફેન્સને પસંદ આવી રહ્યું છે.
ફિલ્મ ‘પઠાન’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ સાથે જ તેમની સાથે જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય આવતા વર્ષે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ અને ‘ડંકી’ પણ રિલીઝ થઈ શકે છે. શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ પછી શાહરુખે ફિલ્મ ‘રોકેટ્રી’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ટાઈગર 3’માં કેમિયો કર્યો હતો. હવે કિંગ ખાનની ફિલ્મ પઠાન માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.