Gadar 2 : ‘ગદર 2’ 11 ઓગસ્ટે આજે રિલીઝ થઈ ગઈ છે. સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકો તારા સિંહ અને સકીનાની લવસ્ટોરીને ફરીથી સ્ક્રીન પર જોવા પહોંચી ચૂક્યા છે. બીજી તરફ, 2001માં જ્યારે ‘ગદર એક પ્રેમ કથા’ રિલીઝ થઈ ત્યારે તેણે દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. 2014 સુધી, આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર બનેલી સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મ બની હતી. જો કે આજે અમે તમને ગદર ફિલ્મની સ્ટોરી નહીં જણાવીએ, પરંતુ આજે અમે તમને એવા સૈનિકની સ્ટોરી જણાવી રહ્યા છીએ જેમના જીવન પર ‘ગદર’ (Gadar) બની હતી.
Gadar: Ek Prem Katha 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. જેમાં સની દેઓલ સરદારના રોલમાં અને અમીષા પટેલ મુસ્લિમ યુવતીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મની સ્ટોરી બુટા સિંહ અને ઝૈનબની સ્ટોરી પર આધારિત હતી, જેમની દુખદ પ્રેમ કહાનીએ ભારતથી પાકિસ્તાન સુધીના લોકોને હચમચાવી દીધા હતા. આ સ્ટોરીમાં બુટા સિંહ બ્રિટિશ આર્મીમાં ભૂતપૂર્વ શીખ સૈનિક હતા. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં એક મુસ્લિમ યુવતી ઝૈનબ પણ ફસાઈ હતી. બુટા સિંહે તે છોકરીનો જીવ બચાવ્યો હતો.
ભારત-પાકિસ્તાન ભાગલા વખતે બુટા સિંહે એક મુસ્લિમ છોકરીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ બંન્ને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન થયા અને એક પુત્રીના માતા પિતા પણ બન્યા હતા. પરંતુ ઝૈનબ મુસ્લિમ હતી જેના કારણે તેને પાકિસ્તાન મોકલવામાં આવી હતી. બુટા સિંહને પાકિસ્તાન ન જવા દેવામાં આવ્યા. તે ઝૈનબ માટે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન પહોંચે છે. તેના પરિવારના સભ્યોને મળવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઝૈનબના પરિવારના સભ્યો તેના લગ્ન તેના પિતરાઈ ભાઈ સાથે કરાવે છે.
એકબાજુ બુટા સિંહને પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે જતા પકડાય ગયા હતા.તેને કહેવામાં આવે છે કે ઝૈનબે બુટાના લગ્ન સ્વીકારવાની ના પાડી દીધી છે. આનાથી બુટા એટલો દુઃખી થાય છે કે તે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લે છે.
બુટા સિંહની છેલ્લી ઈચ્છા હતી કે, તેને ઝૈનબના ગામ નૂરપુરમાં દફનાવવામાં આવે પરંતુ તેના પરિવારે અનુમતી આપી નહિ, તેમણે મિઆની સાહિબમાં દફનાવવામાં આવ્યા હતા. જ્યાં તેની કબર યુવા પ્રેમીઓ માટે એક તીર્થસ્થળ બની ગયું છે. ગદરમાં ફિલ્મની સ્ટોરી થોડી અલગ છે. જેમાં તારા સિંહ પત્ની સકીનાને પાકિસ્તાનથી પરત ભારત લાવે છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો