વિશ્વભરના લોકોની નજર હાલમાં મિસ યુનિવર્સ 2024ના ખિતાબ પર ટકેલી છે. આ વર્ષે ભારતનું પ્રતિનિધિત્વ રિયા સિંઘા કરી રહી છે, જેણે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. રિયાને ટોપ 30માં જોયા બાદ લોકોને આશા હતી કે ચોથી વખત ઈતિહાસ રચાશે, જે હવે તૂટી ગયો છે. કારણ કે રિયા ટોપ 12માં સ્થાન મેળવવામાં સફળ ન રહી અને મિસ યુનિવર્સ 2024ની રેસમાંથી બહાર થઈ ગઈ.
73મી મિસ યુનિવર્સ 2024 બ્યુટી પેજેન્ટ મેસ્કિકોમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આજે એટલે કે 17મી નવેમ્બરે સવારે 6.30 વાગ્યાથી ભારતમાં પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. મિસ યુનિવર્સ 2024ની ટોપ 12ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતની રિયાનું નામ સામેલ નથી પરંતુ તેમાં બોલિવિયા, મેક્સિકો, વેનેઝુએલા, આર્જેન્ટિના, પ્યુર્ટો રિકો, નાઈજીરિયા, રશિયા, ચિલી, થાઈલેન્ડ, ડેનમાર્ક, કેનેડા અને પેરુના સ્પર્ધકોના નામ સામેલ છે.
મિસ યુનિવર્સ 2024 સ્પર્ધાના અપડેટ્સની વાત કરીએ તો અત્યાર સુધી ટોચના 5 સ્પર્ધકોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેક્સિકો, નાઇજીરિયા, થાઇલેન્ડ, વેનેઝુએલા અને ડેનમાર્કે પોતાનું સ્થાન બનાવ્યું છે. રિયા સિંઘાએ આ મિસ યુનિવર્સમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં તેણે ધ ગોલ્ડન બર્ડ બનીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.
રિયા વિશે વાત કરીએ તો તે ગુજરાતની રહેવાસી છે. આ વર્ષની શરૂઆતમાં રિયાએ 51 ફાઇનલિસ્ટને હરાવીને મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ સાથે તેણે મિસ ટીન અર્થ 2023 અને દિવાસ મિસ ટીન ગુજરાત 2020 જેવા ઘણા ટાઇટલ જીત્યા છે. રિયાએ 16 વર્ષની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિયાએ અમદાવાદની GLS યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ડિગ્રી મેળવી છે.