
19 સપ્ટેમ્બરના રોજ કાનપુરનો વકીલ મેરઠના વકીલને મળશે અને અતરંગી રીતે સામાજિક મુદ્દા પર ચર્ચા કરશે. હવે જોવાનું એ રહેશે કે, આ કેસમાં કયો વકીલ બાજી મારશે અને કયા વકીલને હાર માનવી પડશે. હા, બોલિવૂડની હિટ ફ્રેન્ચાઇઝ ‘જોલી એલએલબી’ નો ત્રીજો ભાગ ફરી એકવાર દર્શકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લાની ત્રિપુટી આ વખતે પણ કોર્ટરૂમમાં જોર કોમેડી કરવા માટે ઉમેરશે.
મંગળવારે રિલીઝ થયેલ જોલી એલએલબી 3 નું પહેલું ઓફિશિયલ ટીઝર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. માત્ર 24 કલાકમાં આ ટીઝર બધા પ્લેટફોર્મ પર 100 મિલિયનથી વધુ વ્યૂઝનો આંકડો પાર કરી ચૂક્યું છે. ટીઝર લોન્ચ થતાંની સાથે જ તેને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળવા લાગ્યો છે. પહેલા 6 કલાકમાં ટીઝરને 25 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા, જ્યારે 24 કલાકમાં આ આંકડો 100 મિલિયનને પાર થઈ ગયો છે.
ફક્ત યુટ્યુબ પર ટીઝરને 21.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ટીઝરનો ક્રેઝ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ જોરદાર જોવા મળી રહ્યો છે, જ્યાં ચાહકો ટીઝરના સીન અને ડાયલોગ્સ પર મીમ્સ તેમજ રિએક્શન શેર કરી રહ્યા છે.
આ વખતે જોલી એલએલબી 3 માં, અક્ષય કુમાર અને અરશદ વારસી કોર્ટમાં વકીલ તરીકે એકબીજા સામે લડશે. બંને વચ્ચેની ટક્કર કોર્ટરૂમના ડ્રામામાં હાસ્યની રમઝટ બોલાવશે. ફિલ્મની વાર્તા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, પાછલી ફિલ્મોની જેમ આ ત્રીજો પાર્ટ પણ એક સામાજિક મુદ્દા પર આધારિત હશે, જેને કોમેડી અને વ્યંગાત્મક રીતે રજૂ કરવામાં આવશે.
ટીઝરની સફળતા પછી દર્શકોની નજર હવે ફિલ્મના ટ્રેલર પર ટકેલી છે , જે ટૂંક સમયમાં રિલીઝ થશે. ચાહકો માને છે કે, જોલી એલએલબી 3 આ વર્ષની એન્ટરટેનિંગ ફિલ્મોમાંની એક ફિલ્મ બની શકે છે. ફિલ્મના દિગ્દર્શકે સંકેત આપ્યો છે કે, આ વખતે કોર્ટનું વાતાવરણ પહેલા કરતા વધુ મસાલેદાર અને ટ્વિસ્ટથી ભરેલું હશે. જણાવી દઈએ કે, ‘જોલી એલએલબી 3’ 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.