11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) દેશભરમાં ભારે ચર્ચાનો વિષય બની છે. વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જોવા માટે લોકો થિયેટરોમાં ઉમટી રહ્યા છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે અને તેણે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની પીડા અને અત્યાચારને પડદા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મ જોયા પછી લોકો પોતાના આંસુ પર કાબુ રાખી શકતા નથી.
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને દર્શકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. પ્રેક્ષકોનો એક વર્ગ આ ફિલ્મને સંપૂર્ણ સમર્થન આપી રહ્યો છે, જ્યારે અન્ય વર્ગ આ ફિલ્મના નિર્માણ પર હંગામો મચાવી રહ્યો છે અને ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીના વિરોધમાં બહાર આવ્યો છે. આ ફિલ્મને લઈને ઘણી જાણીતી હસ્તીઓએ પણ પોતાના મંતવ્યો આપ્યા છે. હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ (Nawazuddin Siddiqui) આ મામલે વિવેક અગ્નિહોત્રીનું સમર્થન કર્યું છે.
બોલિવૂડના અમુક વર્ગ તરફથી ફિલ્મના વિરોધનો જવાબ આપતાં નવાઝુદ્દીને કહ્યું, “દરેક ફિલ્મ નિર્માતાને તેમની ફિલ્મની સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. ફિલ્મ બનાવવા માટે દરેક દિગ્દર્શકની પોતાની શૈલી અને અભિગમ હોય છે. વિવેકે જે રીતે આ ફિલ્મ બનાવી છે તે સારી છે. નવાઝુદ્દીને એમ પણ કહ્યું છે કે, તેણે હજી સુધી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈ નથી, પરંતુ તે ચોક્કસ જોશે. કારણ કે લોકો તેને જોઈ રહ્યા છે.
આ પહેલા અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ (Preity Zinta) પણ આ ફિલ્મ જોયા બાદ વિવેક અગ્નિહોત્રીના વખાણ કર્યા હતા અને એક પોસ્ટ દ્વારા લોકોને અપીલ કરી હતી કે “મિત્રો આ ફિલ્મને મિસ ન કરો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અવશ્ય જોવી.” આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી વગેરે મહત્વની ભૂમિકામાં છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત જાહેર કરવામાં આવી છે.
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતોની પીડા, વેદના, સંઘર્ષ અને આઘાતની હૃદયસ્પર્શી વાર્તા છે. આ ફિલ્મ વિશે, દિગ્દર્શકની પત્ની પલ્લવી જોશીએ તાજેતરમાં કહ્યું હતું કે, “આ સત્ય આપણા બધાથી એવી રીતે છુપાયેલું હતું કે, જ્યારે અમે આ વાર્તા પહેલીવાર સાંભળી ત્યારે અમને વિશ્વાસ ન હતો કે આઝાદી પછી આપણા પોતાના જ દેશમાં પણ આવું કંઈક થઈ શકે છે. અમે રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ બધું સાચું છે અને પછી અમને ખબર પડી કે કેટલા મોટા નરસંહારની વાર્તા આપણા બધાથી છુપાયેલી છે.
Published On - 12:43 pm, Mon, 28 March 22