કોરોનાની વૈશ્વિક મહામારી પછી સિનેમાઘર અને મુવી થિયેટરને બંધ કરવામાં આવ્યા હતા. બોલિવૂડ સહિત સમગ્ર સિનેમા જગત માટે 2020 અને 2021 વર્ષ નિરાશાજનક રહ્યા. કોરોના સમયે ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની હતી, પરંતુ રોગચાળાને કારણે તમામની તારીખો મોકૂફ રાખવી પડી હતી. માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે ફિલ્મોના કલેક્શનમાં જોરદાર ઘટાડો થયો છે.
આ પણ વાંચો : Yash Chopra Family Tree : બોલિવુડમાં ‘કિંગ ઓફ રોમાન્સ’ કહેવાય છે યશ ચોપરા, દિકરાની વહુ આપી રહી છે હિટ ફિલ્મો
મોટાભાગની ફિલ્મો માત્ર OTT પ્લેટફોર્મ પર જ રિલીઝ થઈ રહી હતી. તે જ સમયે આ 2-3 વર્ષોમાં બોલિવૂડ ફિલ્મો કંઈ ખાસ બતાવી શકી નથી, જેના કારણે લોકો ખૂબ નિરાશ થયા હતા. જો કે 2023માં બોલિવૂડે એક જોરદાર શરૂઆત કરી છે.
શાહરૂખ ખાને ‘પઠાણ’ બનીને 2023નું સ્વાગત કર્યું અને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. પઠાણે વિશ્વભરમાં 1050.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પછી રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ. સની દેઓલની ફિલ્મ ગદર 2 એ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો અને વિશ્વભરમાં 684.75 રૂપિયાનું કલેક્શન કર્યું. હવે શાહરૂખ ખાનની જવાન સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને તેણે વિશ્વભરમાં રૂપિયા 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
સપ્ટેમ્બર 2023માં એટલે કે 9 મહિનામાં બોલિવૂડે શાનદાર રિકવરી કરી છે અને કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધી રિલીઝ થયેલી તમામ બોલિવૂડ ફિલ્મોની કુલ કમાણીનો આંકડો રૂપિયા 9315 કરોડને પાર કરી ગયો છે, જે વર્ષ 2019 કરતા ઘણો આગળ છે.
કોરોના પહેલા વર્ષ 2019માં બોલિવૂડ ફિલ્મોનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 4200 કરોડ રૂપિયાની આસપાસ હતું. બોલિવૂડ માટે 2019 ઘણું સારું રહ્યું. આ વર્ષે બોલીવુડે ઉરી, ભારત, કબીર સિંહ, સુપર-30, મિશન મંગલ, છિછોરે, ડ્રીમ ગર્લ, વોર, ધ સ્કાય ઇઝ પિંક, દબંગ 3, ગુડ ન્યૂઝ, મણિકર્ણિકા, ગુલ્લી બોય અને બાલા જેવી હિટ ફિલ્મો આપી.
કોરોના પછી વર્ષ 2022 માં બોલિવૂડની ઘણી ફિલ્મો રિલીઝ થઈ, જેમાં કાશ્મીર ફાઇલ્સ, કેજીએફ ચેપ્ટર 2, ભૂલ ભૂલૈયા અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોએ શાનદાર કમાણી કરી. આ વર્ષે બોલિવૂડ ફિલ્મોનું કુલ કલેક્શન લગભગ 1950 કરોડ રૂપિયા હતું.
બોલિવૂડ જે ગતિએ આગળ વધી રહ્યું છે તેને જોતાં એવું લાગે છે કે બોલિવૂડની ફિલ્મો આ વર્ષે કમાણીના મામલામાં સૌથી વધુ હિટ સાબિત થશે. આગામી 3 મહિનામાં એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને રણબીર કપૂરની મોટી ફિલ્મો આવવાની છે. ફેન્સ શાહરૂખ ખાનની ડંકી, રણબીર કપૂરની એનિમલ અને સલમાન ખાનની ટાઈગર 3 જેવી મોટી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.