છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં કામ કરનાર સતીશ કૌશિક અનેક સ્ટાર્સના ખાસ ફેન હતા. મૌસમ ફિલ્મમાં અસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે કરિયરની શરુઆત કરનાર સતીશ કૌશિકે કોમેડીથી લાખો-કરોડો લોકોનું દિલ જીતી લીધું હતું. સૌના હસવાનાર સતીશ કૌશિક આજે સૌને રડાવીને જતા રહ્યાં. તેમના નિધનના સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા હતા. દુનિયામાંથી વિદાય લેનારા સતીશ કૌશિક તેમની પત્ની શશિ કૌશિક અને દીકરી વંશિકા માટે કરોડો રુપિયા છોડી ગયા છે.
બોલિવૂડ અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું બુધવારે 66 વર્ષની વયે અવસાન થયું. અનુપમ ખેરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમના મિત્ર સતીશ કૌશિકના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું, “હું જાણું છું કે ‘મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે!’ પરંતુ મેં ક્યારેય મારા સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો હતો ત્યારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ.” 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ! ઓમ શાંતિ!
સતીશ કૌશિક છેલ્લા ત્રણ દાયકાથી સતીશ કૌશિક બોલિવૂડમાં પૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યાં હતા. અભિનય હોય કે ફિલ્મ ડાયરેક્શન દરેક કામ તેઓ શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયાસ કરતા હતા. તેમને પોતાના ટેલેન્ટના બળ પર કરોડો રુપિયાની સંપત્તિ ભેગી કરી હતી. મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં સતીશ કૌશિકની કુલ નેટવર્થ 40 કરોડ રુપિયા હતી.
સતીશ કૌશિકના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોસ્ટમોર્ટમમાં તબીબોને તેના શરીર પર કોઈ નિશાન નહોતું મળ્યું. બીજી તરફ દિલ્હી પોલીસે સતીશ કૌશિકના મૃત્યુ પર કહ્યું હતું કે તેઓ સીઆરપીસીની કલમ 174 હેઠળ નિયમિત રીતે આ કેસની તપાસ કરી રહ્યા છે. આ અંતર્ગત પોલીસ દરેક એંગલથી મોતની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું હતું કે તપાસનો હેતુ એ જાણવાનો છે કે તેનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હતું કે અકુદરતી કારણોસર થયું હતું.
અનુપમ ખેરે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ સતીશ કૌશિકના મૃતદેહને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સતીશ કૌશિકના પરિવારજનોને પૂછ્યા બાદ આજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે આ ત્યારે શક્ય બનશે જ્યારે બધું સૂર્યાસ્ત પહેલા થઈ જશે.