
બોલિવૂડ અને ભોજપુરી સિનેમામાં પોતાની ઓળખ બનાવનાર અભિનેતા તેમજ નેતા રવિ કિશન (Ravi Kishan) હવે એક એવી વાર્તા લઈને આવી રહ્યા છે, જેમાં મિત્રતાનો સંબંધ સીધો ભગવાન સાથે જોડાય છે.
રવિ કિશનની નવી ફિલ્મનું નામ ‘મેરા યાર બજરંગી- દોસ્તી હો તો એસી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના શીર્ષક (ટાઇટલ) અને રિલીઝ ડેટની જાહેરાત મંગળવારે 27 ઓક્ટોબરને રોજ મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી છે.
ફિલ્મ ‘મેરા યાર બજરંગી- દોસ્તી હો તો એસી’ નું પહેલું પોસ્ટર સામે આવતા જ તેની વાર્તાને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. પોસ્ટરમાં રવિ કિશન એક સામાન્ય માણસના રૂપમાં નજરે પડી રહ્યા છે. તેમાં એક તરફ રૂદ્રાક્ષ અને રક્ષા સૂત્ર પહેરેલા એક સામાન્ય માણસનો હાથ છે, જ્યારે બીજી તરફ બજરંગબલીનો હાથ દેખાય છે. બંને હાથોની વચ્ચે એક દિવ્ય ચમક નજરે પડે છે. આ તસવીર ફિલ્મના ટેગલાઈન ‘દોસ્તી હો તો એસી’ ને ખાસ અંદાજમાં દર્શાવે છે.
ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસ અને તેના ભગવાન વચ્ચેના મિત્રતાના સંબંધ પર આધારિત છે. આજના સમયમાં જ્યારે લોકો સાચા મિત્રની શોધ કરે છે, આવા સમયમાં જો બજરંગબલી જ કોઈના સૌથી ખાસ મિત્ર બની જાય, તો આ સંબંધ કેવો હશે? ફિલ્મ આ જ ભાવનાને પડદા પર ઉતારવાનો પ્રયાસ કરશે. આ માત્ર ધાર્મિક વાર્તા નથી પરંતુ આસ્થા, વિશ્વાસ અને મિત્રતાના ભાવને રજૂ કરનારી ફિલ્મ હશે.
રવિ કિશન આ ફિલ્મમાં એક એવા સામાન્ય માણસનું પાત્ર ભજવશે, જે બજરંગબલીના સાચા ભક્ત છે. ઉલ્લેખનીય છે કે, રવિ કિશન તાજેતરમાં જ ‘મિર્ઝાપુર: ધ મૂવી’ માં પણ નજરે પડ્યા હતા.
હવે ‘મેરા યાર બજરંગી’ ના માધ્યમથી તેઓ ભક્તિ અને મિત્રતાની એક ભાવનાત્મક (ઇમોશનલ) વાર્તા લઈને આવશે. ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર દર્શકોની સમક્ષ આવશે. આ ફિલ્મને જોવા માટે લોકો આતુર છે.