
તાજેતરમાં જ અજય દેવગને પોતાની આગામી ધમાકેદાર એક્શન ફિલ્મ ‘ચૌહાણ’ (Chauhaan) ની જાહેરાત કરી દીધી છે, જેને જોયા પછી ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.
અજય દેવગને આ મોટી ફિલ્મની જાહેરાત માટે એક ખાસ દિવસ પસંદ કર્યો. તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા અને બોલિવૂડના પ્રખ્યાત સ્ટન્ટ ડાયરેક્ટર વીરુ દેવગનની બર્થ એનિવર્સરી (જયંતી) ના અવસરે ફિલ્મનું એક દમદાર અનાઉન્સમેન્ટ ટીઝર શેર કર્યું છે.
અજય દેવગનની ફિલ્મ ‘ચૌહાણ’નું આ અનાઉન્સમેન્ટ ટીઝર 2 મિનિટ 24 સેકન્ડનું છે. ટીઝરમાં કાશ્મીરનો માહોલ બતાવવામાં આવ્યો છે, જ્યાં કેટલાક લોકો સેનાના જવાનો પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. કાશ્મીરના આ જ તણાવપૂર્ણ માહોલ વચ્ચે એન્ટ્રી થાય છે; ફિલ્મના હીરો ‘ચૌહાણ’ની, જે ત્યાંની પરિસ્થિતિને સુધારવા અને આ સમસ્યાનો હંમેશા માટે ઉકેલ લાવવાની જવાબદારી ઉપાડે છે.
ટીઝરમાં અજય દેવગનનો લુક ખૂબ જ ધાંસુ અને અનોખો છે. તેનો અડધો ચહેરો એક માસ્કથી ઢંકાયેલો છે અને હાથમાં એક લગેજ બેગ છે. રસપ્રદ વાત એ છે કે, આ બેગની ઉપર એક ડેક રાખવામાં આવ્યું છે, જેમાં મહાનાયક અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મનું ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ની ધૂન વાગી રહી છે. આ કૂલ અને ખતરનાક અંદાજમાં ચૌહાણ કાશ્મીરમાંથી ઉગ્રવાદનો સફાયો કરવાનું વચન આપે છે.
આ ટીઝરની સૌથી મોટી હાઇલાઇટ તેનો છેલ્લો ડાયલોગ છે, જેણે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડી દીધી છે. ટીઝરના અંતમાં અજય દેવગન ખૂબ જ ભારે અને દમદાર અવાજમાં કહે છે, “પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે.”
આ ડાયલોગ સામે આવતાની સાથે જ સિનેમાપ્રેમીઓ અને ફેન્સના મનમાં એ સવાલ થવા લાગ્યો છે કે, શું અજય દેવગને અહીં શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાન’ પર કોઈ સીધો કટાક્ષ કર્યો છે? જો કે, આ તો ફિલ્મ રિલીઝ થયા પછી જ સ્પષ્ટ થશે પરંતુ આ એક ડાયલોગે ફિલ્મને લઈને સસ્પેન્સ અને હાઇપ બમણી કરી દીધી છે.
અજય દેવગનના ફેન્સ માટે આવનારો સમય ખૂબ જ રોમાંચક રહેવાનો છે. ‘ચૌહાણ’ સિવાય તેના ખાતામાં બીજી ઘણી મોટી ફિલ્મો છે જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં દસ્તક આપશે. આગામી મહિને 10 જુલાઈએ તેની મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ ‘ધમાલ 4’ રિલીઝ થવા જઈ રહી છે.
ત્યારબાદ, ગાંધી જયંતીના ખાસ અવસરે 2 ઓક્ટોબરે સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 3’ મોટા પડદા પર રિલીઝ થશે. એવામાં એક વાત તો સ્પષ્ટ છે કે, બેક-ટુ-બેક રિલીઝ સાથે અજય દેવગન બોક્સ ઓફિસ પર પૂરી રીતે છવાઈ જવા માટે તૈયાર છે.