ભારતના સૌથી મોટા ડોમેસ્ટિક વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ZEE5 પ્લેટફોર્મ પર આગામી તા. 6 મેના રોજ અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) ફિલ્મ ‘ઝુંડ’ (Jhund) રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ એક વાસ્તવિક જીવનના હીરો અને સ્લમ સોકરના સ્થાપક વિજય બારસેના જીવન પર આધારિત આત્મકથા છે. આ એક એવી સંસ્થા છે જે ફૂટબોલ રમવાની હોશિયારી સાથે બાળકોની સુખાકારી અને વિકાસ માટે કામ કરે છે. અમિતાભ બચ્ચનના ચાહકો આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર નિહાળવા માટે ખુબ ઉત્સાહિત છે. ‘ઝુંડ’ એક ઝૂંપડપટ્ટીમાં રહેતા વ્યક્તિના જીવન અને તેના સપનાને સાકાર કરવા માટેના સંઘર્ષની વાર્તા છે.
આ ફિલ્મમાં, નાયક પોતાના જીવનના અનુભવોનો ઉપયોગ કરીને પોતાની જાતને અને તેના સમુદાય માટે સામાજિક અવરોધોને તોડી પાડવાનો માર્ગ તૈયાર કરે છે અને લાખો યુવાનોને તેમના સપનાઓને સમર્પણ અને નિશ્ચય સાથે આગળ વધારવા પ્રેરણા આપે છે.
આ ફિલ્મને ‘લાર્જર ધેન લાઈફ’ બનાવવા માટે અંકુશ ગીદમ, આકાશ થોસર, રિંકુ રાજગુરુ જેવા ડઝનથી વધુ કલાકારોએ કોઈપણ ખામી વિના તેમની ભૂમિકાઓ નિભાવી છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં વિજય બરસેની ભૂમિકા ભજવી છે અને તેમની સફરને ખૂબ જ પ્રામાણિકતા અને ઉત્તમ અભિનય સાથે વર્ણવી છે. આ ફિલ્મની રિલિઝથી ZEE5ના દર્શકોમાં પણ નોંધપાત્ર ઉમેરો થઇ શકે છે.
ZEE5 ઇન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર મનીષ કાલરાએ જણાવ્યું હતું કે, “ZEE5 પર, અમે સતત એક એવો પોર્ટફોલિયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે અનન્ય અને બહુમુખી હોય, જે વિવિધ પ્રકારના પ્રેક્ષકોને તેમનું મનપસંદ કન્ટેન્ટ પૂરું પાડે. ઝુંડ એક વાસ્તવિક જીવનની વાર્તા છે જે પ્રેરણાદાયી છે અને આપણા યુવાનોને એક શક્તિશાળી સંદેશ આપે છે. પ્રેક્ષકો દિલથી નીકળેલી વાર્તાઓને વધુ પસંદ કરે છે અને મને તે ફક્ત અમારા ZEE5 દર્શકો માટે લાવવામાં આનંદ થાય છે. અમને આશા છે કે ઝુંડને પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ અને પ્રશંસા મળશે.”
આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર કહે છે કે, ‘ઝુંડ’ની વાર્તા સામાન્ય સીમાઓથી આગળ છે. આ એક એવી ફિલ્મ જેણે દેશભરમાં ઘણી પ્રશંસા મેળવી છે અને હવે તે ZEE5 પર તેનું ડિજિટલ પ્રીમિયર કરવા માટે તૈયાર છે. ‘ઝુંડ’ને એક ઉંચાઈ પર લઈ જવી એ એક મહાન અનુભૂતિ છે કારણ કે આ રિલીઝ દ્વારા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિશાળ પ્રેક્ષકો નાગરાજ મંજુલેના આ ‘જેમ’ના સાક્ષી બનશે.
જો કે, આ ફિલ્મના દિગ્દર્શક નાગરાજ મંજુલે માને છે કે, ”ઝુંડ માં એક મજબૂત કથા છે જે દર્શકોને આકર્ષવા માટે પૂરતી છે. અમિતજીએ બાળકો સાથેના પાત્રોમાં ખરેખર જીવન લાવ્યું છે. દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યા પછી, મને ખુશી છે કે હવે લોકો તેને Zee5 પર ડિજિટલ રિલીઝ સાથે વારંવાર જોવા માટે પ્રેરિત થશે.”
નાગરાજ મંજુલે દ્વારા નિર્દેશિત, આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, રાજ હિરેમથ, ગાર્ગી કુલકર્ણી, મીનુ અરોરા અને મંજુલે દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિજય બરસેની ભૂમિકામાં છે અને તેમની સાથે ‘સૈરાટ’ ફેમ અભિનેતા રિંકુ રાજગુરુ, આકાશ થોસર અને તાનાજી ગલગુંડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સયાલી પાટિલ, વિકી કડિયાન, કિશોર કદમ અને ભરત ગણેશપુરે પણ સહાયક ભૂમિકામાં છે.