
બોલિવૂડના લોકપ્રિય કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ફરી એકવાર સાથે જોવા મળતાં સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. 5 નવેમ્બરની રાત્રે જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને યોજાયેલી દિવાળી પાર્ટીમાં બંનેએ સાથે હાજરી આપી હતી. ખાસ વાત એ રહી કે બંને એકબીજાનો હાથ પકડીને પાર્ટીમાં પહોંચ્યા હતા અને પાપારાઝી સામે ખુશીથી પોઝ પણ આપ્યા હતા. લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કપલની આ મુલાકાતે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
દિવાળી પાર્ટી માટે ઐશ્વર્યા રાય બચ્ચને લાલ રંગની સુંદર સાડી પસંદ કરી હતી. સાડીની ઝરી બોર્ડર અને સિક્વિન વર્કે તેમના લુકને ખાસ બનાવ્યો હતો. લાલ લિપસ્ટિક, આકર્ષક નેકલેસ અને ખુલ્લા વાળ સાથે ઐશ્વર્યા એકદમ પરંપરાગત અને શાહી અંદાજમાં જોવા મળી હતી. બીજી તરફ અભિષેક બચ્ચન પણ સ્ટાઇલિશ પરંપરાગત પોશાકમાં નજરે પડ્યા હતા. બંનેની એકસાથે એન્ટ્રી અને તેમની વચ્ચેનું હળવું હાસ્ય કેમેરામાં કેદ થયું હતું.
અભિષેક બચ્ચને તાજેતરમાં બીબીસી એશિયન નેટવર્ક સાથેની વાતચીતમાં ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના લોકપ્રિય ગીત ‘કજરા રે’ સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગીતના શૂટિંગ દરમિયાન તેમનો જન્મદિવસ હોવાથી સેટ પર ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે તેમને ‘કજરા રે 2.0’ બનાવવાની શક્યતા અંગે પૂછવામાં આવ્યું ત્યારે અભિષેકે ઉત્સાહ દર્શાવ્યો હતો. જોકે, આ માટે ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચનને મનાવવા પડશે એવી રમૂજી ટિપ્પણી પણ તેમણે કરી હતી.
ફિલ્મોની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’માં જોવા મળ્યાં હતાં. બીજી તરફ અભિષેક બચ્ચન આગામી સમયમાં સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મ ‘કિંગ’માં મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન પણ છે. અહેવાલો અનુસાર, અભિષેક ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવશે. હાલમાં તો મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બંનેની સાથે હાજરી અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો- ‘જોડિયા બાળકોની ફઈ બનો,’ ભાઈ અર્જુનની સાસુએ સારાના જન્મદિવસ પર આશીર્વાદ આપ્યા, જુઓ સેલિબ્રેશન વીડિયો