પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં હાલમાં મતગણતરી ચાલી રહી છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. આ ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ ચૂંટણીઓ તમામ પક્ષો માટે સેમિ ફાઈનલ સાબિત થઈ રહી છે. એક તરફ ભાજપ માટે સત્તામાં વાપસી કરવાનો પડકાર છે તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહી છે.આ બધા વચ્ચે ત્રિપુરાના કેટલાક ચર્ચિત ચહેરા પર મતદાન દરમિયાન સૌની નજર છે. ચાલો જાણીએ કે ત્રિપુરાના ક્યા મોટા નેતાઓની સીટના પરિણામ પર સૌની નજર છે.
ત્રિપુરાની 60 વિધાનસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપ 36 બેઠકો પર આગળ છે. રાજ્ય ભાજપ-ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) અને ડાબેરી મોરચો-કોંગ્રેસ ગઠબંધન અને ભૂતપૂર્વ રાજવી પ્રદ્યોત માણિક્ય દેબબર્માની નવી પાર્ટી ટીપ્રા મોથા વચ્ચે ત્રિકોણીય હરીફાઈ જોવા મળી રહી છે.ત્રિપુરામાં શરૂઆતી વલણોમાં ભાજપ બહુમત તરફ આગળ વધી રહ્યુ છે.
ત્રિપુરામાં, 1 માર્ચથી 3 માર્ચના રોજ સાંજે 6 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે, જેથી આ સમયગાળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને.જો કે આવશ્યક સેવાઓ અને પરીક્ષાર્થીઓને આ પ્રતિબંધના દાયરામાંથી દૂર રાખવામાં આવ્યા છે.
16 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. તે સમયે 90 ટકા મતદાન થયું હતું. આજે ત્રિપુરા રાજ્યમાં 21 સ્થળોએ 60 મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે. અહીં શાસક પક્ષ ભાજપનું ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) સાથે ગઠબંધન છે. ડાબેરીઓ અને કોંગ્રેસ આ રાજ્યમાં તેમની હરિફ પાર્ટી છે. આ સાથે ટીપરા મોથા પણ રેસમાં નવો પક્ષ છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં જાણવા મળ્યું છે કે ભાજપ ગઠબંધનને બહુમતી મળી શકે છે. જો આમ થશે તો તેઓ ફરીથી સત્તામાં આવશે.ભાજપે આ વખતે 55 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે ડાબેરીઓએ 47 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોંગ્રેસે 13 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.