
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેમાં પણ મુસ્લિમ મતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે અમદાવાદમાં મુસ્લિમ ફાઇટર્સ ક્લબે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું છે. મહત્વનું છે કે ગુજરાતની કુલ વસ્તીના 9 ટકા જેટલા મુસ્લિમ સમુદાયનો હિસ્સો છે.
અમદાવાદની એક જાણીતી હોટલમાં યોજાયેલા સંમેનલમાં મુસ્લિમ આગેવાનો સાથે વેજલપુર બેઠકના આપ ઉમેદવારના પિતરાઈ ભાઈ પરાગ પટેલ પણ ખાસ હાજર રહ્યાં હતા. પરાગ પટેલે સર્વ સમાજના લોકોના કલ્યાણ માટે આપ કાર્ય કરશે તેવું ભારપૂર્વક જણાવ્યું છે. મુસ્લિમ ફાઈટર્સના હોદ્દેદારોએ ‘હાથમાં ઝાડું લીલુ લીલુ આપ-મુસ્લિમ ઇલું ઇલું’ નો નારો આપ્યો છે અને મોટી સંખ્યમાં મુસ્લિમ સમાજના લોકો આપને સમર્થન જાહેર કર્યું છે. સાથે જ મુસ્લિમ વૉટર્સ માટે મેગીનો વિકલ્પ જાહેર કર્યો છે. જેમાં M ફોર મનીષ સીસોદીયા, A ફોર અરવિંદ કેજરીવાલ, G ફોર ગોપાલ ઇટાલિયા અને I ફોર ઇસુદાન ગઢવી કહ્યું એવી જ રીતે આપ નહિ તો હમ નહીં સૂત્રોચ્ચાર કર્યા હતા.
મુસ્લિમ ફાઇટર ક્લબના આગેવાન ઇમરાન ખાન પઠાણએ જણાવ્યું કે ‘જે પ્રકારે આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં લોકોને સુવિધાઓ આપી છે તે સુવિધાઓ હજુ સુધી કોઈ સરકારે આપી નથી. અમને લાગે છે કે મુસ્લિમ લોકોનું ભવિષ્ય આપ બનાવી શકે છે એટલે આપ સાથે જોડાયા છીએ. ગુજરાત રાજ્યની વિવિધ બેઠકોમાં પણ મુસ્લિમ મતદારોને જાગૃત કરીશું. તો વધુમાં ઉમેર્યું કે, અમારી મુસ્લિમ ફાઈટર્સ ક્લબ સાથે 3 હજાર પરિવાર જોડાયેલા છે. એટલે 3 હજાર મુસ્લિમોનો આપને ટેકો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે.
મહત્વનું છે કે, કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા બેઠકના AAP ના ઉમેદવાર કલ્પેશ પટેલના નાના ભાઈ પરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને મુસ્લિમોનો આપમાં જોડવા બદલ આભાર માન્યો હતો. સાથે જ મુસ્લિમ બિરાદરોની મહિલાઓ કહ્યું હતું કે પાયાની સુવિધા મળતી ન હોવાથી અમે મોટી સંખ્યમાં આપના સમર્થનમાં છીએ અને ભવિષ્યમાં પણ આપ સાથે રહીને પ્રચાર કરીશું.
જો આપને અત્યાર સુધીના મુસ્લિમ રાજકીય ઈતિહાસથી વાકેફ કરીએ તો ગુજરાતમાં લગભગ 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. વર્ષ 1980માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભાજપે માત્ર એક ચૂંટણીમાં મુસ્લિમ નેતાને ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી અને છેલ્લી વખત ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે તે બેઠક ગુમાવી હતી. ત્યારથી આજ સુધી ભાજપે એકપણ ચૂંટણીમાં એક પણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી. તો કોંગ્રેસે આ વખતે માત્ર 6 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે હવે મુસ્લિમનું આપને સમર્થન કેટલુ ફળે છે તે તો સમય જ બતાવશે.