
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કેશોદમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે અને ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. અરવિંદ લાડાણીએ અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેઓ 14 નવેમ્બરે અપક્ષ તરીકે ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરશે. તેઓ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા, પરંતુ આ વખતે પક્ષે દેવા માલમને ટિકિટ આપતાં તેઓ નારાજ છે. તેમણે દાવો કર્યો છે કે કેશોદ ભાજપના કાર્યકરો અને લોકો પાર્ટીના આ નિર્ણયથી નારાજ છે અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે ફરજ પડી છે. તો બીજી તરફ જૂનાગઢમાં આંબાવાડી વિસ્તારના કારખાનેદારોએ ભીખા જોશીને બદલે અમિત પટેલને ટિકિટ આપવાની માગ સાથે પ્રદર્શન કર્યું હતું.
કેશોદને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1995થી આ બેઠક પર ભાજપ અજેય રહ્યુ છે. વર્ષ 1990માં હમિરભાઈ ધુલા જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 1995, 1998 અને 2002માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપ સામે તેમનો પરાજય થયો હતો. 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકમાં કુલ 246397 મતદારો છે. જેમાંથી 127058 પુરુષ મતદારો અને 119338 મહિલા મતદારો નોંધાયા છે.
બીજી તરફ વડોદરા જિલ્લામાં ભાજપ ઉમેદવારોની જાહેરાત સાથે જ 3 બેઠકો પર અસંતોષ સામે આવ્યો છે. વાઘોડિયા, પાદરા અને કરજણમાં ભાજપના જૂના જોગીઓએ પક્ષ સામે જ મોરચો માંડવાની જાહેરાત કરી. બરોડા ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલે અપક્ષ ચૂંટણી લડવાનું એલાન કર્યું, તો વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ અને કરજણથી સતીષ નિશાળીયાએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
તો કોંગ્રેસમાં પણ કકળાટ સામે આવ્યો છે. વડોદરાના ડભોઈમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. શનોર ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ કારોબારી ચેમન રાકેશ આંબલિયા, APMC ડિરેક્ટર ઉમેશ પટેલ, પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ પૂનમ ઠાકોર અને કેયુર ઠાકોર ભાજપમાં જોડાયા. ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ કોંગ્રેસના તમામ આગેવાનોને પક્ષમાં આવકાર્યા.
Published On - 3:26 pm, Sat, 12 November 22