
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો સાથે જીત મેળવી છે. કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. જો કે જીતેલી આ તમામ 156 બેઠકો પૈકી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 12 ભૂતપૂર્વ ધારાસભ્યો અને બે ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્યના પુત્રને ટિકિટ આપી હતી. એટલે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલ 14ને ટિકિટ મળી હતી. જેમાંથી કુલ 11 લોકોએ જીત મેળવી છે.
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના અનેક લોકો ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. જેમાંથી કોંગ્રેસે 14ને ટિકિટ આપી હતી. જેમાંથી ત્રણ લોકોને બાદ કરતા તમામે ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ભૂપેન્દ્ર ભાયાણીએ પૂર્વ કોંગ્રેસી અને હાલમાં ભાજપના નેતા એવા હર્ષદ રિબડિયાને હરાવ્યા છે. જવાહર ચાવડાએ માર્ચ 2019માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને બાદમાં ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી જીતી હતી, જો કે 2022ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે લગભગ 3,000 મતોથી હારી ગયા છે.
અમદાવાદ શહેરના જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત થઇ છે. ઈમરાન ખેડાવાલાએ મુસ્લિમ બહુમતીવાળા મતવિસ્તારમાં ભાજપના તેમના નજીકના હરીફ ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા, જ્યાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) રાજ્ય પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા પણ મેદાનમાં હતા.
ગુજરાતના નવા મંત્રીમંડળના નિર્માણ માટે આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાશે. નવા મંત્રીમંડળ માટે ભાજપ દ્વારા રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડાને નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણેય નિરીક્ષક નવા મુખ્યમંત્રી મંડળ માટે ગુજરાત આવશે. ગુજરાત આવીને નિરીક્ષકો સૌપ્રથમ વિધાનસભા દળની બેઠકમાં હાજરી આપશે. આજે પક્ષના નેતાના નામની સત્તાવાર જાહેરાત કરાશે. સીએમના નામની જાહેરાત બાદ ભાજપની ડેલીગેશન રાજભવન જશે. તો સરકારના મંત્રીમંડળમાં અનેક જુના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.