
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી ફાઈનલ કરવા ભાજપમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે સાંજે 6 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સહિત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહેશે. આ પહેલા દિલ્લીમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ અપાયો હતો.
કોર કમિટીની બેઠક બાદ તમામ નેતાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે પહોંચ્યા હતા..જ્યાં ઉમેદવારોની યાદીને લઈ ભાજપ અધ્યક્ષને માહિતગાર કરાયા હતા. ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. માહિતી મુજબ 10 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તાને કાયમી રાખવા મતદારોને રીઝવવા મથામણ કરી રહી છે. ભાજપ દ્વારા એક પછી એક કાર્યક્રમ કરીને મતદારો સુધી વધુને વધુ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપ દ્વારા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગુજરાતની જનતાના સૂચનો લેવામાં આવી રહ્યા છે. તો આ જ રીતે આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી.