ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવાની કામગીરીમાં જોતરાઇ ગયા છે. ચૂંટણી માટે ફોર્મ ભરાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની એકપણ યાદી જાહેર કરવામાં આવી નથી. ઉમેદવારોના નામ પર અંતિમ ચર્ચા કરી દેવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે આ નામોની યાદી જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઉમેદવારી નહીં કરે તેવી જાહેરાત કરી છે. આ અગાઉ તેમણે તેઓ નહીં પણ તેમના પત્ની ચૂંટણી લડશે તેવું જણાવ્યુ હતુ. જો કે હવે તેમણે પત્નીને ટિકિટ આપવા બાબતે ફેરવી તોડતા કહ્યું છે કે- તેમણે મશ્કરીમાં કહ્યું હતું કે તેઓ પોતે નહીં તો તેમના પત્ની ચૂંટણી લડશે.. પરંતુ ભાજપમાં કોઈ સગાને ટિકિટ આપવાની ના પાડેલી છે.. જેથી ટિકિટનો સવાલ જ નથી ઉભો થતો. તેમણે કહ્યું કે- તેઓ ભાજપમાં છે અને ભાજપના સેવક બનીને જ રહેવાના છે.
તો આ તરફ વાઘોડીયા બેઠક પર 2017માં અપક્ષમાંથી દાવેદારી કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ દાવેદારી નોંધાવી છે. મહત્નું છે કે, 2017માં મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષમાંથી ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52 હજાર મત મળ્યા હતા જ્યારે મધુ શ્રીવાસ્ત્વને 63 હજાર મત મળ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણી હાર બાદ પણ મત ક્ષેત્રમાં સક્રિય રહીને મધુ શ્રીવાસ્તવને સતત પડકાર આપી રહ્યા છે.
Published On - 1:21 pm, Wed, 9 November 22