ગુજરાત વિધાનસભાના જંગમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો હવે ગુજરાતના પૂર્વ DGP ડી.જી. વણઝારાએ પણ ચૂંટણી પહેલા પોતાની પાર્ટી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. પૂર્વ DGP ડી.જી. વણઝારા આજે તેમની ‘પ્રજા વિજય પક્ષ’ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવશે . પક્ષની વિધિવત જાહેરાત કરતા પહેલા ડી.જી.વણઝારાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે 182 વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે.
સોહરાબુદ્દીન અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસથી ચર્ચામાં આવેલા પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ આજે ટ્વીટ કરતા કહ્યું કે, “ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી નિર્ભય પ્રજારાજની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે “પ્રજા વિજય પક્ષ” ની વિધિવત ઘોષણા આવતી કાલે તા.૮ – ૧૧ – ૨૦૨૨ના રોજ અમદાવાદ મુકામે કરવામાં આવશે.” તેમના આ ટ્વીટથી નવી ચર્ચા જાગી છે.
આ પ્રસંગે સંબોધન કરતા ડી.જી.વણઝારાએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી માત્ર એક જ પક્ષ ભાજપ સત્તામાં છે..જો કોઇ પણ રાજ્ય કે દેશમાં કોઇ એક રાજકીય પક્ષ સતત લાંબા સમય સુધી સત્તામાં રહે તો સત્તા ભ્રષ્ટ થાય છે..કોંગ્રેસ અને AAP ક્યારેય ભાજપનો વિકલ્પ બની શકે નહીં..જેથી જ હિન્દુત્વવાદી પક્ષ સામે અમે બીજો હિન્દુત્વવાદી વિજય પક્ષ લઇને આવ્યાં છે..જે પ્રજા વિજય પક્ષ લોકો માટે એક રાજકીય વિકલ્પ બનશે.. સાથે જ કહ્યું કે આવનારી ગુજરાત વિધાનસ ચૂંટણીમાં તમામ બેઠકો પર પ્રજા વિજય પક્ષ ચૂંટણી લડશે.
ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી “નિર્ભય પ્રજારાજ” ની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે “પ્રજા વિજય પક્ષ”ની વિધિવત ઘોષણા આવતી કાલે તા. ૮-૧૧-૨૦૨૨ના રોજ, હોટેલ પ્લેનેટ લેન્ડમાર્ક, ઇસ્કોન ચાર રસ્તા નજીક, આમલી રોડ, અમદાવાદ મુકામે કરવામાં આવશે. જય વ વિજય હો.
— DG Vanzara (@VanzaraDg) November 7, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીના મેદાનમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે.
1987 બેચના આઈપીએસ અધિકારી ડી જી વણઝારા ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી, એટીએસ ચીફ જેવી મહત્વનની જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે વધુ જાણીતા બન્યા હતા. તેઓને એન્કાઉન્ટરના કેસમાં જેલવાસ ભોગવવાનો આવ્યો હતો.