Gujarat Election 2022: નિરંજન પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને આપી શકે છે સાથ, પેટલાદ બેઠક પર કદાવર નેતાઓ વચ્ચે ખેલાશે જંગ !

કોંગ્રેસના (Congress) સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પેટલાદ બેઠક પર નિરંજન પટેલને બદલે ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા માગતા હોવાની શક્યતા છે. જે વાતથી નારાજ થઇ નિરંજન પટેલ કેસરિયો ધારણ કરે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

Gujarat Election 2022: નિરંજન પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને આપી શકે છે સાથ, પેટલાદ બેઠક પર કદાવર નેતાઓ વચ્ચે ખેલાશે જંગ !
કોંગ્રેસ નેતા નિરંજન પટેલ
Image Credit source: TV9 GFX
| Edited By: | Updated on: Nov 11, 2022 | 1:56 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોમાં મધ્ય ગુજરાત ઝોનમાં ભારે રસાકસી જોવા મળે તેવી શક્યતા છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે ભાજપની જાહેર થયેલ યાદીમાં આણંદની સાત વિધાનસભામાંથી પેટલાદ સીટના ઉમેદવારનું નામ બાકી છે. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પેટલાદ બેઠક પર નિરંજન પટેલને બદલે ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા માગતા હોવાની શક્યતા છે. જે વાતથી નારાજ થઇ નિરંજન પટેલ કેસરિયો ધારણ કરે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભરતસિંહ સોલંકી પેટલાદ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા

ગઇકાલે ભાજપ દ્વારા આણંદ જિલ્લાના ઉમેદવારોની જે યાદી જાહેર કરવામાં આવી છે. તેને લઇને ભાજપમાં જ નારાજગી જોવા મળી રહી છે. કારણકે ભાજપે સોજીત્રાના વિપુલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જે અગાઉ બે વખત હારી ચુક્યા છે. જેથી આગામી દિવસોમાં તે હારશે કે જીતશે તે અંગે હજુ અસ્પષ્ટતા જોવા મળી રહી છે. જો કે આણંદ જિલ્લાની પેટલાદ બેઠક એક એવી બેઠક છે જે પરંપરાગત રહી છે.

અહીં કોંગ્રેસના નિરંજન પટેલ દ્વારા ચૂંટણી જાહેર થાય તે પહેલાથી જ પ્રચાર અભિયાન શરુ કરી દીધુ હતુ. રાત્રે 12 વાગે પણ પેટલાદ વિધાનસભાના ગામડાઓમાં જઇને લોકો સાથે ચર્ચાઓ પણ કરી છે. કોગ્રેસમાં તેમને જ ઉમેદવાર બનાવવાના છે તેવી વાત હતી. જો કે અચાનક આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પેટલાદ બેઠક પર ચૂંટણી લડાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ઇલેકશન 2022 : નગરપાલિકામાં નિરંજન પટેલને મળી હતી હાર

ભરતસિંહ સોલંકીને પેટલાદ બેઠક પર ચૂંટણી લડાવવાનું કારણ એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે નિરંજન પટેલની ઊંમર વધુ છે. નિરંજન પટેલે જો કોંગ્રેસ ટિકિટ ન આપે તો તેમના દીકરા સૌરભ પટેલને ટિકિટ આપવામાં આવે તેવી પણ માગણી કરેલી છે. જો કે થોડા સમય પહેલા જે નગરપાલિકાના ચૂંટણીઓ યોજાઇ હતી. તેમાં તેમનો પરાજય થયો હતો. તેથી કોંગ્રેસ હવે ત્યાં ભરતસિંહ જેવા મોટા કદના નેતાને મેદાનમાં ઉતારે તેવુ લાગી રહ્યુ છે.

બીજી તરફ આ જ બેઠક પર ભાજપમાંથી પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. કારણકે જો નિરંજન પટેલ કોંગ્રેસમાં નારાજગીના પગલે જો ભાજપમાં સામેલ થાય તો તેમને ભાજપમાંથી ઉમેદવાર તરીકે ઊભા રખાય તેવી શક્યતા છે. નિરંજન પટેલનું પણ પેટલાદ બેઠકમાં સારુ એવુ વર્ચસ્વ રહેલુ છે. ત્યારે જો નિરંજન પટેલ ભાજપમાં સામેલ થાય અને તેમને ટિકિટ મળે તો પેટલાદ બેઠક પર નિરંજન પટેલ અને ભરતસિંહ સોલંકી એમ બંને કદાવર નેતાઓ વચ્ચે રસીકસીનો જંગ જામશે.

(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી,આણંદ)