ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની 14 જેટલી વિધાનસભા બેઠકના ભાજપ- કોંગ્રેસ અને આપના ઉમેદવારો મંગળવારે અલગ અલગ જગ્યાએ ફોર્મ ભર્યા હતા.
બીજા તબક્કાના મતદાન માટે અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યુ. તો અમદાવાદની દરિયાપુર બેઠકથી ભાજપના ઉમેદવાર કૌશિક જૈને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ સમયે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ભરત બારોટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તો મણિનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમૂલ ભટ્ટે વિજય મૂહુર્તમાં ઉમેદવારી નોંધાવી. આ તરફ બાપુનગર બેઠક પરથી ભાજપના દિનેશ કુશવાહા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તો વેજલપુર બેઠકથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકરે ઉમેદવારી ફોર્મ ભર્યું.. વેજલપુરના બળિયાદેવ મંદિરે શીશ ઝુકાવ્યા બાદ અમિત ઠાકરે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ફોર્મ ભર્યું હતું. આ તરફ જમાલપુર-ખાડિયા બેઠક પરથી ભાજપના ભૂષણ ભટ્ટે ઉમેદવારી નોંધાવી.
વાત કોંગ્રેસની કરીએ તો અમદાવાદની દરિયાપુર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ઉમેદવારી ફોર્મ ભર્યું. તેઓ ઔડા કચેરીએ પેડલ રિક્ષા રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ તરફ ઠક્કરબાપાનગર બેઠક પરથી વિજય બ્રહ્મભટ્ટે ફોર્મ ભર્યું.. વિજય બ્રહ્મભટ્ટ સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચ્યા હતા ફોર્મ ભર્યું હતું. તો વેજલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.. નરોડા બેઠક કોંગ્રેસના નિકુલસિંહ તોમર ચૂંટણી લડી રહ્યા છે. ફોર્મ ભરતા પહેલા નિકુલસિંહ તોમરે રેલી યોજી હતી. તો અમરાઈવાડીના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગીની કાર લઇને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારની DC મોડીફાઈડ લેમ્બોર્ગીની કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.