Gujarat election 2022: વિવિધ રાજકીય પક્ષોનું ફોક્સ યુવા બ્રિગેડ, રાજકીય પક્ષોએ ચૂંટણીના જંગમાં ઉતારી યુવા સ્ટાર પ્રચારકોની ફોજ

રાજ્યમાં 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને વિવવિધ રાજકીય પક્ષો યુવા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે જેથી યુવા મતદારોને (youth voters) આકર્ષી શકાય.

Gujarat election 2022: વિવિધ રાજકીય પક્ષોનું ફોક્સ યુવા બ્રિગેડ, રાજકીય પક્ષોએ ચૂંટણીના જંગમાં ઉતારી યુવા સ્ટાર પ્રચારકોની ફોજ
Gujarat election 2022
| Edited By: | Updated on: Nov 09, 2022 | 12:18 PM

રાજ્યમાં ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ગયો છે ત્યારે ચૂંટણીપંચે જાહેર કરેલી વિગતો પ્રમાણે આ વખતે  રાજ્યમાં સૌથી  વધુ યુવા મતદારો નોંધાયા છે અને યુવા મતદારોને આકર્ષવા માટે વિવિધ રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોમાં વધુમાં વધુ યુવા નેતાઓને સ્ટાર પ્રચારકો તરીકે ઉતાર્યા છે. તો ચૂંટણીપંચે મતદારોની જે યાદી જાહેર કરી છે તે મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. તેમાં 18 થી 19 વર્ષની વય જૂથના 4.61 લાખથી વધુ મતદાર ઉમેરાયા છે અને જે પૈકી  રાજ્યમાં 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો યુવા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે, જેથી યુવા મતદારોને આકર્ષી શકાય.

રાજકીય પક્ષોએ ઉતારશે યુવા સ્ટાર પ્રચારકોની ફોજ

ગુજરાતમાં શાસક પક્ષ ભાજપની વાત કરીએ તો હજી અહીં ઉમેદવારોનું બેઠક પ્રમાણેનું લિસ્ટ આવવાનું બાકી છે ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ગુજરાત માટે સ્ટાર પ્રચારક રહેશે જ. સાથે સાથે  યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાને ગુજરાતમાં પ્રચાર માટે ઉતાર્યા છે તો આ યાદીમાં આગળ જ્યોર્તિરાદિત્ય સિંધિયા,  અનુરાગ સિંહ ઠાકુર,  મનસુખ માંડવિયા સહિતના નેતાઓને મેદાનમાં ઉતારવામાં  આવે તેવી અટકલો છે. ભાજપે સપ્ટેમ્બર માસમાં જ યુવા સંમેલન યોજીને યુવાનોને પોતાન ીતરફ ખેંચવા પહેલા જ મોર્ચો માંડી દીધો  હતો.

તો  સ્થાનિક સ્તરે  હર્ષ સંઘવીથી માંડીને  હાર્દિક પટેલના નામ પણ  ચર્ચામાં છે. બીજી તરફ  આદમી પાર્ટીએ જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદી અંગે પાર્ટીના પદાધિકારીના જણાવ્યા અનુસાર પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઇસુદાન ગઢવી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં મૂકવામાં આવ્યા છે.

પંજાબની મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગનને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, તો ક્રિકેટર હરભજન સિંહને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. એ જ રીતે મનીષ સિસોદિયાને શિક્ષણથી વંચિત વિસ્તારોના લોકો સિવાય મધ્યમ વર્ગને આકર્ષિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.  આ સાથે જ અલ્પેશ કથીરિયા, યુવરાજ જાડેજા, મનોજ સોરઠીયા, જગમાલ વાલા, રાજુ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બલદાણીયા, અજીત લોખીલ, રાકેશ હિરપરાના નામ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. આ બધાની વચ્ચે આપના સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી  મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે. આ બાબત ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે વિવિધ પક્ષો યુવાનોના વોટ શેરને વધુને વધુ મહત્વ આપી રહ્યા છે.

કોંગ્રેસમાં  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સચિન પાઇલટ સહિતના નેતાઓ મેદાનમાં ઉતરે તેવી  શક્યતાઓ જોવાઈ રહી છે. જ્યારે ઓક્ટોબર માસમાં કોંગ્રેસ  પણ યુવા પરિવર્તન યાત્રા યોજી હતી તેમજ હાલમાં કોંગ્રેસ નુક્કડ નાયક દ્વારા  યુવા મતદારો વચ્ચે પોતાના કાર્યોનો પ્રચાર કરી રહ્યા છે.

ચૂંટણીપંચે બનાવ્યા નવા યૂથ બૂથ

આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 3.23 લાખ યુવા મતદારો એવા છે જેઓ પહેલીવાર વોટ આપશે. આવા ફર્સ્ટ ટાઈમ વોટર માટે આખા રાજ્યમાં સમર્પિત મતદાનમથક બનશે. આ અંતર્ગત દરેક જિલ્લામાં એક મળીને કુલ 33 જિલ્લામાં આવા 33 યૂથ પોલ બૂથ બનાવવામાં આવશે. આવા મતદાન મથકોનું સંચાલન પણ સૌથી નાની ઉંમરના અને હાલમાં જ ભરતી કરાયેલા કર્મચારીઓ દ્વારા કરાશે

રાજકીય પક્ષોના સોશિયલ મીડિયા માટે ખાસ ટીમ

યુવાનો સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે ત્યારે  વિવિધ રાજકીય પક્ષોએ પોતાની સોશ્યિલ મીડિયા ટીમ પણ મેદાનમાં ઉતારી છે જે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ,  લિંકડઇન જેવા માધ્યમો દ્વારા  યુવાનોને પોત પોતાની વિશેષતાઓ દર્શાવવાનો  પ્રયત્ન કરશે.