
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીમાં મતદારો રાજા છે ત્યારે મતદારો હવે પોતાનો મિજાજ દર્શાવવા લાગ્યા છે અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં મતદારો વિવિધ સમસ્યાને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે. મતદારો ચૂંટણી નજીક આવતા રસ્તાથી માંડીને પુલ બનાવવા સહિતના મુદ્દે મેદાને ઉતર્યા છે. પ્રાથમિક સુવિધાના અભાવે ત્રસ્ત થયેલા નાગરિકો ચૂંટણી સમયે તક જોઈને પોતાની સમસ્યાના નિકાલ માટે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપીને ઉમેદવારોનું નાક દબાવી રહ્યા છે. કારણ કે સામાન્ય જનતા પણ હવે જાણી ગઈ છે કે ચૂંટણી સમયે નેતાજીઓ નાગરિકોની સમસ્યા ઉકેલવા તરફ સવિશેષ ધ્યાન આપશે.
અમરેલીના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. મહિલા સરપંચે દાવો કર્યો છે કે, છેલ્લા 20 વર્ષથી ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે જ ભૂમાફિયા નદીમાંથી રેતીની ચોરી કરે છે તે અંગે પણ લેખિક અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ગામના લોકોની આ મુશ્કેલી દૂર નહીં થાય તો ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સાવરકુંડલાના જીરા ગામના લોકોએ આપ્યું આવેદનપત્ર
તાલાલા તાલુકાનાં વાડલા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરતા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ કહ્યું હતું કે લાડવા ગીર ગામના લોકો વર્ષોથી ઓકોલ વાડીથી વાડલા જોડતા રસ્તામાં આવતા પુલ મોટા કરવા તેમજ ખાડા પૂરવા માટે માંગણી કરી હતી. ગ્રામજનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થીઓ આ સમસ્યાનો વધારે સામનો કરે છે.
Election protest in talala
ચૂંટણીમાં મતદારો હવે રાજાની ભૂમિકા આવ્યા છે. ત્યારે પ્રાથમિક સુવિધાથી ત્રસ્ત થયેલા મતદારોએ નેતાઓને રોકડું પરખાવ્યું છે. તાલાલાના જાવંત્રી અને વાડલા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા અઢી વર્ષથી બિસ્માર રસ્તાનો કોઈ ઉકેલ ન નિકળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. જેથી ગ્રામજનોએ નેતાઓને ગામમાં પ્રવેશવાની પણ મનાઈ ફરમાવી છે તો ડાંગના વઘઈ તાલુકાના દાબદર ગામમાં બિસ્માર માર્ગને લઈને સ્થાનિકોએ ચૂંટણીમાં ભાગ ન લેવા ચીમકી આપી છે તો બીજી તરફ રાજકોટના ઉપલેટામાં માલધારી સમાજે બેનર લગાડી ભાજપ સરકારનો વિરોધ કર્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.