
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચુક્યુ છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે 166 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. જો કે નામ જાહેર કર્યા બાદ ભાજપમાં 32 બેઠકો પર ટિકિટને લઈ વિવાદ થઇ રહ્યો છે. જે બેઠક પર વિવાદ સર્જાયો છે તે, ગત ચૂંટણીમાં 32માંથી 11 બેઠક પર ભાજપની હાર થઈ હતી. ત્યારે ઊભા થયેલા વિવાદ મામલે ડેમેજ કંટ્રોલ કરવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને જવાબદારી સોંપાઈ છે. જાહેર કરેલા ઉમેદવારની સામે વિવાદ થતા ભાજપના દિગ્ગજ નેતાઓએ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે.
ભાજપ દ્વારા 32 બેઠક પર વિવાદ ખાળવા જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાને જવાબદારી સોંપાઈ છે. તો અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાને જવાબદારી સોંપાઈ છે. મધ્ય ગુજરાતમાં હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટને જવાબદારી સોંપાઇ છે. દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલને જવાબદારી સોંપાઈ છે અને સૌરાષ્ટ્રમાં મનસુખ માંડવિયા અને વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કર્યા બાદ જેમના નામ કપાયા છે તેમનામાં તો તે ઉમેદવારના ટેકેદારોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાત ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોનમાં કેટલીક બેઠક પર વિવાદ થતા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઇ છે.
Published On - 9:47 am, Sun, 13 November 22