ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં હમણા ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા અને કોંગ્રેસના સમીકરણો પર સીધા પ્રહાર કરવા માટે આપ પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારો અને સીએમનો ચહેરો શુદ્ધા જાહેર કરીને પડકાર ફેંક્યો, ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા પણ ઓછી વિવાદાસ્પદ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી, જો કે ઘણાબધા હજુ ઉમેદવારો બાકી છે. વાત ભાજપની કરીએ તો આજે ભૂપેન્દ્ર યાદવ દ્વારા 160 ઉમેદવારોની જાહેરાત કરીને ચિત્ર સ્પષ્ટ કરી દીધુ કે તેનું ગુજરાત માટેનું રાજકીય ગણિત શું કહી રહ્યું છે.
ભાજપ દ્વારા આ વખતે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો માટે સીધા સમીકરણ એક જ દેખાઈ રહ્યા છે કે જે જીતે તે ભાજપનો ઉમેદવાર. અત્યાર સુધી ઉમરના ક્રાઈટેરીયાને જોઈને ચાલનારી પાર્ટીમાં આ વખતે માત્ર જીતને જોઈને પસંદ કરવામાં આવ્યા છે. વિજય રૂપાણી સરકારમાં આખા મંત્રીમંડળને ફેરબદલ કરી દેવાયા બાદ અને નવા મંત્રીમંડળને અસ્તિત્વમાં લાવનારા પક્ષે એક મેસેજ એ પણ આપ્યો કે વ્યક્તિ કરતા પક્ષ મહાન છે. આજે જ શંકર ચૌધરી દ્વારા તેમને ટિકિટ મળી ત્યારે પરબત પટેલને મળીને તેમણે આ જ ઉલ્લેખ કર્યો કે કમળ લડી રહ્યું છે હું તો માત્ર એક સૈનિક તરીકે છું.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટી ની જમીન પર અસર વધારે જોવા મળે છે એ જ કારણ છે કે સુરત શહેર માં માત્ર 3 બેઠક બદલવામાં આવી. બાકી ની બેઠકો ખાસ કરીને વરાછા, કતારગામ, કરંજ, કામરેજ માં જીતની જવાબદારી ઉમેદવારોને આપવામાં આવી છે અને આ બેઠક પર કોઈ ચેહરા બદલવામાં નથી આવ્યો.
મોરબીની હોનારતના પડઘા આખા સૌરાષ્ટ્ર માં ઘેરા પડ્યા છે અને બ્રિજેશ મેરઝાની નબળી કામગીરી આખે વળગે એવી હતી એ જ કારણ છે કે બ્રિજેશ મેરઝાનું પત્તુ કપાયું તો અન્ય બેઠક પર મૂળ ભાજપના ઉમેદવારોને તક આપી. આ બેઠક પર કાંતિ અમૃતિયાને ટિકિટ આપવા પાછળનું કારણ એ પણ છે કે બ્રિજ ધરાશાય થયો ત્યારે કાંતિ અમૃતિયાએ પાણીમાં કુદીને પણ લોકોના જીવ બચાવ્યા હતા અને તેમની આ કામગીરી સોશ્યલ મિડિયા પર છવાઈ ગઈ હતી.
ચૂંટણી સમયે કોઈ નારાજગી કે અસંતોષ ના થાય એ માટે વિજય રૂપાણીથી માંડી ભુપેન્દ્રસિંહ ચુડાસમા , પ્રદિપસિંહ જાડેજા, આરી.સી. ફળદુ પાસે સામે થી ચૂંટણી ના લડવાનો નિર્ણય જાહેર કરાવ્યો, જો કે ભાજપનું આ પાછળ નું મૂળ કારણ આગામી 20 વર્ષ માટે નવી કેડર તૈયાર કરવાની હતી, આ તમામ નેતાઓ સમાજ માં પણ એન્ટી ઇન્કબસીનું વાતાવરણ બની ગયું હતું જેની અસર મતો અને બેઠકની જીત પર પડી શકે તેમ હતી.
સરવાળે એમ કહી શકાય કે ભાજપે એક ઝાટકે જાહેર કરેલા 160 ઉમેદવારોમાંથી પાર્ટી 100 કરતા વધારે ઉમેદવારોની જીત પર નિશ્ચિત હોવાનો સૂર વ્યક્ત કરી રહી છે અને વર્ષ 2017માં જે સીટો પર 1000 થી લઈને 2000 સુધીનું માર્જીન રહ્યું છે તેને વિકાસના કામોથી લઈ પ્રચારના તબક્કામાં વણી લઈને જીતમાં ફેરવી નાખવાની ગણતરી છે, હિસાબ સીધો એ છે કે જે તે સમયના સરકારના વિરોધીઓ અને પડકાર જનક કોંગ્રેસીઓ પણ હવે ભાજપમાં છે ત્યારે ગુજરાતની ચૂંટણીનું ચિત્ર 8 ડિસેમ્બરે જરૂર સ્પષ્ટ થઈ જશે.
Published On - 4:30 pm, Thu, 10 November 22