
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે પ્રથમ અને બીજા તબક્કામાં ભરાયેલા ઉમેદવારી ફોર્મ અને કેટલા ઉમેદવાર નોંધાયા તે અંગેની માહિતી આપી હતી. તેમણે મતદાન પ્રક્રિયા દરમિયાન શું વ્યવસ્થા રાખવામાં આવશે તે અંગેની જાણકારી પણ આપી હતી. ચૂંટણી દરમિયાન કેટલા પોસ્ટલ બેલેટ રાખવામાં આવશે, કેટલા ઓબ્ઝર્વર રાખવામાં આવશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર કડક પ્રતિબંધ, દિવ્યાંગ મતદારોને મતદાન માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ હોવા અંગેની પણ તેમણે માહિતી આપી હતી.
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી અંગેની કેટલીક મહત્વની માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણમાં 89 બેઠક માટે આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. પી.ભારતીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. પી.ભારતીએ જણાવ્યું કે બીજા તબક્કા માટે 10 નવેમ્બરથી 17 નવેમ્બર સુધીમાં કુલ 1515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા છે. 21 નવેમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તેમણે કહ્યું હતું કે દિવ્યાંગ મતદારોને મતદાન મથક ઉપર વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમને આવવા- જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે દ્રષ્ટિહિન મતદારોને એક સાથીદારને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, દરેક જિલ્લા મથકે સહાયતા માટે બ્રેઈલ લીપી જાણતાં તજજ્ઞોની સેવાઓ લેવામાં આવશે.
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશનના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચે દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે ખાસ સુવિધા કરાઇ છે. મતદાનના દિવસે મતદાન મથક ઉપર રેમ્પ, પીવાનું પાણી, મતદાનમાં પ્રાથમિકતા, મતદાન મથક પર સહાયક, મતદાન મથક સુધી આવવા – જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટ મારફત ઘરે બેઠા મતદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ વયના મતદારોની સુવિધા માટે special observer ની નિમણૂંક કરવામાં આવી છે. દ્રષ્ટિહિન મતદારોને લાઈનમાં ઊભા રહ્યા વિના મતદાન મથકોમાં પ્રવેશ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. દ્રષ્ટિહિન મતદારોની સુગમતા માટે EVM ના બેલેટ યુનિટ પર બ્રેઇલ ચિહ્ન તથા દરેક મતદાન મથક ઉપર બ્રેઇલ લીપિમાં બેલેટ પેપર ઉપલબ્ધ રખાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.17713.55 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં રૂ.2241.75 લાખની રોકડ, 2.48 લાખ લિટરથી વધુ રૂ.894.72 લાખની કિંમતનો દારૂ, 818.19 કિલો જેટલું રૂ.6156.09 લાખનું ડ્રગ્સ અને રૂ.806.45 લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.7614.54 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન, તમાકુ તથા પાન મસાલાનો સમાવેશ થાય છે.
મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 2,89,225 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે.