ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election ) પહેલા કોંગ્રેસને (Congress) મોટો ઝટકો લાગી શકે છે. હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) નારાજ જોવા મળી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ હાર્દિક પટેલને તેમના પક્ષમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યુ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે હાર્દિક પટેલ જેવા સંઘર્ષકારી યુવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે.એક તરફ હાર્દિક પટેલ હાલમાં કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલને પક્ષમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે.
તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે હાર્દિકે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવું જોઇએ. હાર્દિક પટેલ જેવા સંઘર્ષકારી યુવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. ત્યારે હાલમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સૂચક માનવામાં આવી રહ્યુ છે.
તાજેતરમાં જ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કોંગ્રેસના મોટા નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું, મને એટલો હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાર્દિક પટેલે ટ્વિટર પર જણાવ્યું છે કે, સાચું બોલાવું જોઈએ કેમ કે હુ પાર્ટીનું ભલુ ઈચ્છુ છુ. રાજ્યની જનતા અમારી તરફ અપેક્ષા રાખે છે અને અમે તે અપેક્ષાએ ખરાં ઉતરી ન શકીએ, તો પછી આ નેતાગીરીનો શું મતલબ છે ! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરવાનું છે. પદનો મોહ નથી કામનો ભૂખ્યો છું.
હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ગત ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી. તેના માટે કોંગ્રેસનું આંતરિક વિખવાદ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓનો બીજા દળો સાથે ‘ગુપ્ત ગઠબંધન’ પણ જવાબદાર છે સાથે પટેલે દાવો કર્યો કે, 2017માં આટલો મોટો માહોલ હતો પરંતુ ખોટી રીતે ટિકિટ વહેંચાતા સરકાર ન બની શકી. હાર્દિક પટેલે કહ્યું કે, મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પરંતુ મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવતા નથી. કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવતા નથી. તેમજ ત્રણ વર્ષમાં મને કોઈ કામ ન સોંપાયું. હાર્દિક પટેલે કોંગ્રેસ સામે સવાલ પણ કર્યો કે 2017માં કોંગ્રેસે હાર્દિકનો ઉપયોગ કર્યો.
ત્યારે હવે હાર્દિક પટેલની કોંગ્રેસથી ચાલી રહેલી નારાજગી વચ્ચે આમ આદમી પાર્ટીએ જાણે તક ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે હવે આમ આદમી પાર્ટી તરફથી તેમના પક્ષમાં જોડાવાનું આમંત્રણ હાર્દિક પટેલ સ્વીકારે છે કે કેમ તે જોવુ રહ્યુ.
આ પણ વાંચો : Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો