વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઇને હવે ગુજરાતના (Gujarat) રાજકારણમાં રોજ કઇક નવી હલચલ જોવા મળી રહી છે. ગુજરાતના ત્રણ મોટા પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપમાં હવે પક્ષપલટાની મૌસમ પણ શરુ થઇ ગઇ છે. આજે ઉત્તર ગુજરાત વધુ એક દિગ્ગજ નેતા કેસરિયા કરવા જઇ રહ્યા છે. મણિલાલ વાઘેલા (Manilal Vaghela) આજે સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. અગાઉ મણિલાલે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ હવે તે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે.
મણિલાલ વાઘેલાએ આ પહેલા 35 વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા આપી ચુક્યા છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મણિલાલ વાઘેલા હવે ભાજપનો સાથ આપશે. કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ મણિલાલે નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે ટૂંકા રાજકીય સન્યાસ બાદ, હવે તેઓએ કેસરિયા કરવાનો નિર્ણય કર્યો છે. કેસરિયા કરતા પહેલા અગાઉ મણિલાલે દિલ્લીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ કરી હતી. તેઓની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવતી હતી અને હવે આજે મણિલાલ વાઘેલા સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.
મણિલાલના રાજકીય અનુભવની વાત કરીએ તો તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી મણિલાલે કોંગ્રેસ માટે સેવા આપી હતી અને 2012માં ભાજપના કેબિનેટ પ્રધાનને હરાવીને વડગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પક્ષ પલટાની મોસમમાં પણ કોંગ્રેસ સાથે અડીખમ રહેનાર મણિલાલની કેન્દ્રીય નેતાગીરીએ નોંધ લીધી હતી અને દિલ્લી બોલાવી સન્માન કર્યું હતું. જોકે પાર્ટીએ વચન આપવા છતાં તેઓને 2017માં વડગામ બેઠક પર મેન્ડેટ આપ્યું ન હતુ. છતાંય તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા અને અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો. જોકે સતત અવગણના અને પ્રદેશ નેતાગીરીથી નારાજ થતાં 2021માં તેઓએ કોંગ્રેસને રામ રામ કહી દીધા હતા અને હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરીયા કરશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો