ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી અમદાવાદ શહેરની 16 સીટમાંથી કોંગ્રેસે ચાર સીટો જીતી હતી. જ્યારે અમદાવાદ જિલ્લાની પાંચ સીટોમાંથી કોંગ્રેસે બે સીટો કબ્જે કરી હતી. 2017માં કોંગ્રેસે અમદાવાદ શહેર અને જિલ્લાની 21 સીટોમાંથી 6 સીટો કબ્જે કરી હતી. ત્યારે 2022માં કોંગ્રેસ માટે 2017માં જીતેલી 6 સીટો જાળવી રાખવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. શહેરની જીતેલી ચાર સીટો પર કોંગ્રેસે ચારેય ધારાસભ્યોને ફરીથી રીપીટ કર્યા છે. જો કે આ વખતે અમદાવાદ શહેરમાં આપ અને એઆઈએમઆઈએમ કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે.
2017માં શહેરની બાપુનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ 3067 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. ભાજપનો ગઢ હોવા છતાં કોંગ્રેસે આ સીટ જીતી હતી. પરંતુ 2022માં બાપુનગર સીટ જીતવી કોંગ્રેસ માટે મુશ્કેલ બની છે. બાપુનગર બેઠક પર હિન્દીભાષી મતદારોનો દબદબો છે, ત્યારે કોંગ્રેસે અહીં ફરી વખત હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે, પરંતુ આ વખતે કોંગ્રેસના મોટા હિન્દીભાષી નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાયા છે. દિનેશ શર્માનો આ બેઠક પર હિન્દીભાષી મતદારોમાં દબદબો છે જેને લઈને 2022માં કોંગ્રેસ આ બેઠક ગુમાવે તેવી શક્યતા છે. આ બેઠક પર આપના ઉમેદવાર કોંગ્રેસના મત કાપે તો ભાજપની જીત નિશ્રિત છે. બાપુનગર બેઠક પરથી AIMIMના ઉમેદવાર શાહનવાઝે ફોર્મ પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતાં કોંગ્રેસે થોડી રાહત અનુભવી છે.
2017માં જમાલપુર – ખાડિયા બેઠક કોંગ્રેસે 29339ની લીડથી કબ્જે કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને 29339 મતની લીડથી જીત્યા હતા, ત્યારે કોંગ્રેસે આ બેઠક પર ફરીથી ઈમરાન ખેડાવાલાને રીપીટ કર્યા છે. પરંતુ AIMIMને કારણે આ બેઠકનું ગણિત કોંગ્રેસ માટે ઉંધુ પડી શકે છે. મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2012ની થીયરી મુજબ ભાજપ કબ્જે કરે તો નવાઈ નહી. 2012માં આ બેઠક પર કોંગ્રેસે ચાલુ ધારાસભ્ય સાબિર કાબલીવાલાની ટીકીટ કાપી સમીરખાન પઠાણને ટીકીટ આપી હતી. સમીરખાનને ટીકીટ આપતાં નારાજ સાબિર કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી કરી હતી. જેના કારણે મુસ્લિમ મતોનું વિભાજન થતાં ભાજપના ભુષણ ભટ્ટનો વિજય થયો હતો.
2017માં કોંગ્રેસે ફરી આ બેઠક પર ઈમરાન ખેડાવાલાને ટીકીટ આપી કબ્જે કરી હતી. પરંતુ 2022માં ફરીથી 2012ની થીયરી રીપીટ થઈ છે. ભાજપમાંથી ભુષણ ભટ્ટને ટીકીટ આપી છે. જ્યારે સાબિર કાબલીવાલાએ AIMIM માંથી આ બેઠક પર ઉમેદવારી કરી છે. સાબિર કાબલીવાલાએ 2012માં અપક્ષ ઉમેદવારી કરી કોંગ્રેસના 30 હજાર મતો તોડ્યા હતા. બીજી તરફ 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જમાલપુર વોર્ડમાં AIMIMની પેનલનો વિજય થયો છે. AIMIMના ચાર કાઉન્સિલરો અને સાબિર કાબલીવાલા કોંગ્રેસનું ગણિત ઉંધુ પાડી શકે છે અને ભાજપ 2012ની જેમ ફરીથી આ બેઠક કબ્જે કરી શકે છે.
2017માં દરિયાપુર બેઠક કોંગ્રેસના ઉમદવાર ગ્યાસુદ્દીન શેખે 6187 મતની પાતળી સરસાઈથી કબ્જે કરી હતી. કોંગ્રેસે 2022માં ફરીથી ગ્યાસુદ્દીન શેખને રીપીટ કર્યા છે. પરંતુ 2022માં કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવી મુશ્કેલ બની છે. ભાજપે અહીં કૌશિક જૈનને ટીકીટ આપી છે. આ બેઠક પર હિન્દુ – મુસ્લિમ મતદારોની સંખ્યા લગભગ સરખી છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને AIMIMએ પોતાના ઉમેદવારો મેદાને ઉતારતા કોંગ્રેસની મુશ્કેલી વધી છે. આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર હસનખાન પઠાણે કોંગ્રેસથી નારાજ થઈ રાજીનામુ આપ્યું છે અને AIMIM માંથી હસનખાન પઠાણે ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે મુસ્લિમ મતોનું વિભાજન થાય તો કોંગ્રેસને આ બેઠક પણ ગુમાવવાનો વારો આવી શકે છે.