Surat : ‘ચૂંટણીમાં ભાજપ એક નવો રેકોર્ડ બનાવશે’,નવા વર્ષે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો હૂંકાર
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, કાર્યકરો તથા નેતાઓએ આ ચૂંટણીમાં જીતનો સંકલ્પ લીધો છે. આ જ સંકલ્પને પગલે ભાજપ 2022માં રેકોર્ડબ્રેક જીત હાંસલ કરશે અને ભાજપનો ભવ્ય વિજય થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) ભાજપ નવો કીર્તિમાન સ્થાપશે. નવા વર્ષે આ હૂંકાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) કર્યો છે. સુરતમાં સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન પાટીલ કાર્યકરોને મળ્યા. અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં પાટીલે હૂંકાર ભર્યો કે “વિધાનસભાનો જંગ ભાજપ (BJP) માટે ખાસ હશે. અને કાર્યકરો તથા નેતાઓએ આ ચૂંટણીમાં જીતનો સંકલ્પ લીધો છે. આ જ સંકલ્પને પગલે ભાજપ 2022માં રેકોર્ડબ્રેક જીત હાંસલ કરશે અને ભાજપનો ભવ્ય વિજય થશે.”
ગૃહમંત્રી અમિત શાહ આજે કમલમાં યોજશે બેઠક
ચૂંટણી (Gujarat Election) નજીક આવતા દરેક રાજકીય પાર્ટીના કેન્દ્રીય નેતાઓ મતદારોની નજીક પહોંચી રહ્યા છે, ત્યારે 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પણ સત્તા કાયમી રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી (PM Modi) અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ભાજપના ચાણક્યા ગણાતા અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. દરેક ઝોનમાં મંથન કર્યા બાદ હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (AMit Shah) ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે બેઠક કરશે. જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવશે.