રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. દરેક રાજકીય પક્ષોના દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) પણ ગુજરાત આવી રહ્યા છે. મંગળવારે જેપી નડ્ડા રાજકોટ (Rajkot) આવવાના છે. આ દરમિયાન તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધિત કરશે. રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણી(Assembly Election)નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. જેમા અલગ અલગ રાજકીય પક્ષો પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે.
હજુ થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા. એ અગાઉ આમ આદમી પાર્ટીના કેજરીવાલ પણ રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 20 સપ્ટેમ્બરે રાજકોટ આવવાના છે. અહીં તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના 15,000થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધિત કરશે. વિધાનસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. સૌરાષ્ટ્રની આ સભાના સંબોધન સાથે જેપી નડ્ડા ચૂંટણીનું બ્યુગલ ફુંકશે.
અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યુ હતુ કે જેપી નડ્ડા મંગળવારે બપોરે બે વાગ્યે રાજકોટ આવશે. ત્યાં તેઓ જનસભાને સંબોધન કરશે. આ સભામાં રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 15000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યકર્તાઓને જેપી નડ્ડા આગામી વિધાનસભાની ચૂંટણીનું માર્ગદર્શન આપશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનુ ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ જેપી નડ્ડા મોરબી જવા રવાના થશે. પાટીદારોના ગઢ ગણાતા મોરબી શહેરમાં જેપી નડ્ડાના રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. સિરામિકના હબ અને કડવા પાટીદાર સમાજના એપી સેન્ટર ગણાતા મોરબીમાં જેપી નડ્ડા ચૂંટણીનો હુંકાર કરશે. તેઓ વિશાળ રોડ શોમાં ભાગ લેશે. વિધાનસભા ચૂંટણી પહેલા કડવા પાટીદારોના ગઢ સમાન મોરબીમા રોડ શો કરી જેપી નડ્ડા વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફુંકશે.
Published On - 9:30 pm, Sat, 17 September 22