ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ત્રીજી નવેમ્બરે તારીખો જાહેર થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. 3 નવેમ્બરે બપોરના સમયે ચૂંટણી પંચ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. જેમા પ્રથમ તબક્કાની ચૂંટણી ડિસેમ્બરની 1લી અથવા 2જી તારીખે યોજાઈ શકે છે. જ્યારે બીજા ફેઝની ચૂંટણી 5 ડિસેમ્બરે અથવા 6 ડિસેમ્બરે યોજાઈ શકે છે. જેમા 8 ડિસેમ્બરે હિમાચલના પરિણામો સાથે જ ગુજરાત ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ શકે છે.
રાજ્યમાં હાલ વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. માત્ર તારીખો જાહેર થાય એટલી જ વાર છે. તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે અને જોરશોરથી પ્રચાર કરી રહી છે. સત્તાધારી પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. જેમા ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને ગુજરાતમાં પુરી તાકાત લગાવી રહી છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે કારણે કે ગુજરાતમાં ભાજપ 25થી વધુ વર્ષોથી શાસનમાં છે. જ્યારે કોંગ્રેસ 25 વર્ષથી ગુજરાતમાં સત્તાથી બહાર છે. ત્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વ બચાવવાની લડાઈ છે. આ ટર્મની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં રાજકીય જમીન તલાશી રહી છે.
આ વખતેની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ ટક્કર આપી રહી છે. આ ઉપરાંત BTP અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM
પણ મેદાને છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેમના ઉમેદવારોની 8 યાદી પણ જાહેર કરી દીધી છે. જો કે હજુ સુધી સીએમનો ચહેરો જાહેર કરવામાં નથી આવ્યો. આ તરફ ભાજપે પણ સીએમના ચહેરાને લઈને હજુ સુધી કોઈ પત્તા ખોલ્યા નથી. ભાજપ દ્વારા ત્રણ દિવસ સુધી ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લઈ મોવડીમંડળને યાદી સોંપી છે.
Published On - 6:58 pm, Tue, 1 November 22