ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક જીતી છે. CM ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે આવતીકાલે શપથ લેવાના છે. ત્યારે હવે ADRએ જીતેલા 182 ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ અને સંપત્તિનો અહેવાલ રજૂ કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં જીતેલા 83 ટકા ધારાસભ્યો કરોડપતિ હોવાનું સામે આવ્યુ છે. કુલ 182 ઉમેદવારો પૈકી 151 ધારાસભ્યો કરોડપતિ હોવાનું સામે આવ્યુ છે. આ તમામની સરેરાશ મિલકત 16.41 કરોડ હોવાનું સામે આવ્યુ છે. ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસ અને શિક્ષણ અંગેની માહિતી પણ સામે આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ધારાસભ્યોની સંપત્તિ અને ક્રાઇમ ફાઇલ રજૂ કરવામાં આવી છે. ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસ અને સંપત્તિને લઇ ADRએ અહેવાલ રજૂ કર્યો છે. ADRના અહેવાલ મુજબ જીતેલા 182માંથી 83 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. 151 ધારાસભ્યો સરેરાશ 16.41 કરોડની મિલકત ધરાવે છે. જેમાં ભાજપના 132 અને કોંગ્રેસના 14 ધારાસભ્ય કરોડપતિ છે. તો AAP અને સમાજવાદી પાર્ટીનો 1-1 ધારાસભ્ય કરોડપતિ છે.
બીજી તરફ અપક્ષમાંથી જીતેલા ૩ ધારાસભ્ય પણ કરોડપતિ છે. ભાજપના 156 ધારાસભ્યો સરેરાશ 17.51 કરોડની મિલકત ધરાવે છે. જ્યારે કોંગ્રેસના 17 ધારાસભ્યો સરેરાશ 5.51 કરોડની મિલકત ધરાવે છે. તો AAPના 5 ધારાસભ્યો સરેરાશ 98.70 લાખની મિલકત ધરાવે છે.. જ્યારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો પાસે સરેરાશ 20.94 કરોડ સંપત્તિ છે. 3 અપક્ષ ધારાસભ્યોની સરેરાશ મિલકત 63.94 કરોડ છે.
વિજેતા ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2022માં જીતેલા 22 ટકા ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં 16 ટકા ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. ADRના અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે ભાજપના 26 અને કોંગ્રેસના 9 ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે AAP, અપક્ષના 2-2 અને સમાજવાદી પાર્ટીનો 1 ધારાસભ્ય ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
ભાજપના 20 ધારાસભ્ય સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. તો કોંગ્રેસના 4, AAPના 2 અને અપક્ષના 2 ધારાસભ્ય સામે પણ ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં કોંગ્રેસના અનંત પટેલ, કિરીટ પટેલ અને ભાજપના કાળુ રાઠોડ સામે IPC 307નો ગુનો નોંધાયેલો છે. તો જેઠા ભરવાડ, જીગ્નેશ મેવાણી, ચૈતર વસાવા અને જનક તલાવીયા સામે મહિલા અત્યાચારના ગુના દાખલ થયેલા છે.
વિધાનસભાના જીતેલા 182માંથી 86 ધારાસભ્યોએ ધો. 5 થી 12 સુધીનો અભ્યાસ કરેલો છે. 83 ધારાસભ્યો ગ્રેજ્યુએટ અને તેથી વધુ ભણેલા છે. 7 ધારાસભ્યો સાક્ષર અને 6 ડિપ્લોમા હોલ્ડર છે.