દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજથી ફરી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) પણ ગુજરાતની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંયુક્ત રીતે ચાર જાહેર સભાઓને સંબોધશે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ કેજરીવાલ સાથે જઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવી દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આજે અરવિંદ કેજરીવાલ અને માન કચ્છ જિલ્લાના ગાંધીધામ અને જૂનાગઢ જિલ્લાના જોશીપુરામાં જાહેર સભાને સંબોધશે. AAPના ગુજરાત મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે પ્રવાસના બીજા દિવસે 2 ઓક્ટોબરે બંને નેતાઓ સુરેન્દ્રનગર શહેર અને ખેડબ્રહ્મા શહેરમાં જાહેર સભાઓને સંબોધશે.
પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના ગુજરાત મામલાના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં હશે. સોરઠિયાએ કહ્યું કે, સિસોદિયા અને ચઢ્ઢા કેટલીક મહત્વપૂર્ણ સભાઓ અને રેલીઓ માટે અમદાવાદ આવી રહ્યા છે. કેજરીવાલ તેમની મુલાકાત દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ કરશે.
અગાઉ, સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં AAPના વધતા પ્રભાવથી ભાજપ ડરી રહી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તેથી તે લોકોને તેમની વિરુદ્ધ મોકલી રહી છે. હું જાણું છું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મારા અને તમારા વિરોધમાં વધારો થતો જશે. કેજરીવાલે દાવો કર્યો છે કે શહેરી વિસ્તારોમાં AAPના વધતા પ્રભાવથી ભાજપ ડરી ગઈ છે.
કેજરીવાલે કહ્યું, “છેલ્લી ચૂંટણીઓ સુધી, રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવતું હતું કે 66 શહેરી બેઠકો ભાજપનો ગઢ છે, કોઈ પ્રવેશ કરી શકશે નહીં, પરંતુ રાજ્યમાં AAPની એન્ટ્રી અને શહેરી વિસ્તારોમાં તેના ફેલાવાને કારણે ભાજપનો ગઢ મુશ્કેલીમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શાસિત ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.