ગોવાના (Goa) પૂર્વ મુખ્યમંત્રી સ્વ. મનોહર પર્રિકરના (Manohar Parrikar) પુત્ર ઉત્પલ પર્રિકરે (Utpal Parrikar) જાહેરાત કરી છે કે તેઓ પણજી મતવિસ્તારમાંથી (Panaji constituency) અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ભાજપે તેમને આ બેઠક પરથી ટિકિટ આપી ન હતી. ઉલ્લેખનીય છે કે ગોવાના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય રાજનીતિમાં શાલીનતા અને સાદગીના ઉદાહરણ એવા મનોહર પર્રિકર પણજી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ગોવા વિધાનસભામાં (Goa Assembly Election) પ્રતિનિધિત્વ ચાલુ રાખ્યું હતું.
મનોહર પર્રિકરના અવસાન બાદ પણજી બેઠક માટે સૌથી મોટા દાવેદાર તેમના પુત્ર ઉત્પલ પર્રિકર હતા. જોકે, મનોહર પર્રિકરના નિધન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ઉત્પલને ટિકિટ આપી ન હતી. આવી સ્થિતિમાં ઉત્પલે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. શિવસેનાના નેતા સંજય રાઉતે હાલમાં જ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે જો ઉત્પલ પણજી વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડે છે, તો કોઈપણ પક્ષે તેમની સામે ઉમેદવાર ન ઉભા રાખવો જોઈએ અને સ્વર્ગસ્થ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ. તેમની આ અપીલ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી જેવા વિરોધ પક્ષોને હતી.
કેજરીવાલે AAPમાં જોડાવાની ઓફર કરી હતી
સંજય રાઉતની (Sanjay Raut) અપીલ બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ઉત્પલ પર્રિકરને પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. એક પ્રશ્નના જવાબમાં કેજરીવાલે પત્રકારોને કહ્યું કે, હું મનોહર પર્રિકરનું સન્માન કરું છું. જો તેમના પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાવા ઈચ્છતા હોય, તો તેઓનું ખૂબ સ્વાગત છે.” જ્યારે પણજીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાલ્મીકી નાઈકે પણ ઉત્પલ માટે તેમની ઉમેદવારી પરત ખેંચવાની ઓફર કરી છે. પણજી વિધાનસભા બેઠક હાલમાં ભાજપના કબજામાં છે અને અતાનાસિયો મોન્સેરેટ આ બેઠક પરથી ધારાસભ્ય છે.
તાજેતરમાં જ બીજેપીના ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે ઉત્પલ પર્રિકર પર નિશાન સાધતા કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ માત્ર એટલા માટે ભાજપની ટિકિટ મેળવવા માટે લાયક નથી બની જતો કે તે મનોહર પર્રિકર અથવા અન્ય કોઈ નેતાનો પુત્ર છે. 40 સભ્યોની ગોવા વિધાનસભા માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 10 માર્ચે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ