‘પરીક્ષા પે ચર્ચા’ની 2025 આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓફિશિયલ વેબસાઇટ innovateindia1.mygov.in પર જઈને આમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તેની તમામ સંલગ્ન શાળાઓ માટે પરિક્ષા પે ચર્ચા 2025 આવૃત્તિ અંગે સૂચના જાહેર કરી છે. ચાલો જાણીએ કે ‘પરીક્ષા પે ચર્ચા 2025’ માટે કેવી રીતે પસંદગી કરવામાં આવશે.
PM નરેન્દ્ર મોદી સાથેના ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં ભાગ લેનારાઓની પસંદગી ઓનલાઈન MCQ સ્પર્ધા દ્વારા કરવામાં આવશે. ઓનલાઈન સ્પર્ધા 14 જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે અને તે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ખુલ્લી છે. તમામ સહભાગીઓને ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગ લેવા માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે.
આ ‘પરીક્ષા પે ચર્ચા’ની 8મી આવૃત્તિ છે, જેનું આયોજન જાન્યુઆરીમાં ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલા લગભગ 2500 વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કીટ આપવામાં આવશે. કાર્યક્રમમાં પીએમ મોદી વાલીઓ અને શિક્ષકો સાથે બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા કરશે અને વિદ્યાર્થીઓને ટિપ્સ આપશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પીએમ મોદીએ બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. તેઓ તેમને પરીક્ષાના દબાણ અને તૈયારીને લગતી ટિપ્સ પણ આપે છે. જે શિક્ષણ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ, યુટ્યુબ વગેરે પ્લેટફોર્મ પર જોઈ શકાશે. વધુ માહિતી માટે ઉમેદવારો પરીક્ષા પે ચર્ચાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.