
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી બહાર પાડી છે, જે CBSEના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યાં છે અને ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓએ આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. બોર્ડે કહ્યું કે, CBSE પાસે માત્ર એક જ ઓફિશિયલ X એકાઉન્ટ @cbseindia29 છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ આના પર જ આધાર રાખવો જોઈએ.
CBSEએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ધ્યાનમાં આવ્યું છે કે, ઘણા ટ્વીટર પર એવા એકાઉન્ટ છે જે લોકોને ગેરમાર્ગે દોરવા માટે CBSEના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. CBSE એ સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી પણ બહાર પાડી છે. જે બોર્ડના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યાં છે તેના ફોટો સહિત લિસ્ટ બહાર પાડ્યું છે. સેન્ટ્રલ બોર્ડે વધુમાં એમ પણ કહ્યું કે, આ નકલી હેન્ડલ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Announcement pic.twitter.com/CekIhetyHM
— CBSE HQ (@cbseindia29) February 12, 2024
CBSE 2024ની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલથી પ્રારંભ થવાની છે. બોર્ડે એડમિટ કાર્ડ પણ જાહેર કરી દીધા છે. હોલ ટિકિટ ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in, cbse.gov.in અને parikshasangam.cbse.gov.in પર બહાર પાડવામાં આવી છે. નિયમિત વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાંથી પ્રવેશ કાર્ડ મળશે. જ્યારે પ્રાઈવેટ વિદ્યાર્થીઓએ ઓફિશિયલ વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. CBSE 10મી બોર્ડ પરીક્ષા 2024 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે. જ્યારે 12માંની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ 2024 દરમિયાન યોજાશે.
એક્ઝામ સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને બપોરે 1.30 વાગ્યે પુરી થશે. વિદ્યાર્થીઓને પેપર વાંચવા માટે 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. એક્ઝામ CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હેઠળ લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. વધુ માહિતી માટે તમે CBSE વેબસાઇટની વિઝિટ કરી શકો છો.