સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. CBSE બોર્ડ પરીક્ષા 2025 માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પરીક્ષાની ઓફિશિયલ વેબસાઇટ parikshasangam.cbse.gov.in પર જઈને 4 ઓક્ટોબર સુધી ફોર્મ ભરીને કરી શકાય છે. બોર્ડે આ અંગે તમામ સંલગ્ન શાળાઓને પણ જાણ કરી છે.
બોર્ડે શાળાઓને સૂચના આપી છે કે તેઓએ નિર્ધારિત સમયમાં એલઓસી સબમિટ કરવાનું રહેશે. આ ઉપરાંત આગામી બોર્ડની પરીક્ષાઓ માટે જરૂરી ફી પણ જમા કરાવવાની રહેશે. દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિલંબના કિસ્સામાં બોર્ડ શાળાઓને 15 ઓક્ટોબર સુધી એલઓસી સબમિટ કરવાની મંજૂરી આપશે, પરંતુ બાળક દીઠ 2000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.
CBSE એ શાળાઓને ખાતરી કરવા કહ્યું છે કે, રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરેલી તમામ માહિતી સાચી હોવી જોઈએ. કારણ કે તેનો ઉપયોગ માર્કશીટ અને રોલ નંબર જેવા ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ જનરેટ કરવા માટે કરવામાં આવશે. કોઈપણ પ્રકારની અચોક્કસતાને કારણે CBSE ડેટામાં તફાવત હોઈ શકે છે. બોર્ડે કહ્યું કે, વિદ્યાર્થીઓએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી હોવી જોઈએ અને તેમના વિષય કોડ માન્ય હોવા જોઈએ. રજીસ્ટ્રેશન પછી વિષય કોડ બદલી શકાતો નથી.
આગામી બોર્ડ પરીક્ષાઓ માટે CBSE એ 10મા અને 12માના તમામ વિષયોના નમૂના પેપરો પણ બહાર પાડ્યા છે, જેને વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbseacademic.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. CBSE 10મા અને 12માની આગામી બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. વિગતવાર ડેટશીટ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં બહાર પાડી શકાય છે.