Anand: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.28મી માર્ચથી શરૂ થનાર ધો.10 અને ધો.12ની (SSC-HSC) સમગ્ર રાજયની જાહેર પરીક્ષાઓ માટેની તૈયારીઓ અંગેની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની (Jitu Waghani)અધ્યક્ષતામાં અને શિક્ષણ સચિવની ઉપસ્થિતિમાં આજે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ સચિવે પરીક્ષા સંબંધી તમામ જિલ્લાઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ સચિવ સાથે વિડિયો કોન્ફરન્સીંગથી યોજાયેલ સમીક્ષા બેઠક બાદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરે આગામી તા.૨૮મી માર્ચથી શરૂ થઈ રહેલી એસ.એસ.સી, એચ.એસ.સી.ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાને રાખી કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી.
કલેકટરે બેઠક દરમિયાન પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ ઉપસ્થિત સર્વેને બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પરીક્ષાઓનું આયોજન થાય, શિસ્તને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે, નિયમો અંગેના અજ્ઞાનના કારણે કોઈ સમસ્યા, ઘર્ષણ કે મુશ્કેલી ઉભી ન થાય, ગેરરીતિને કોઈ અવકાશ ન રહે, વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવા સુચવ્યું હતું.
કલેકટર દક્ષિણીએ વધુમાં વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં મોબાઈલ લઇને પ્રવેશ ન કરવા તથા પરીક્ષા ખંડમાં ગેરરીતિ કરતા પકડાય તો કેવી શિક્ષા થઇ શકે તે અંગેની પરીક્ષાર્થીઓને જાણકારી આપવા જણાવ્યું હતું. તા.12મી એપ્રિલ સુધી ચાલનારી આ પરીક્ષાઓ દરમિયાન કેન્દ્રો પર પાણી, શૌચાલય, વીજપુરવઠો, પ્રાથમિક મેડિકલ સારવાર, ટ્રાન્સપોર્ટ માટે બસ સહિતના વાહનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપી હતી. તેમણે વધુમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરવા અને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાનું જણાવી પરીક્ષા સંબંધી તમામ ગાઇડલાઇનનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ સંબંધિતોને સૂચના આપી હતી.
બેઠક દરમિયાન પરીક્ષાનાં બે(2) દિવસ અગાઉથી સવારે 8-૦૦ થી રાત્રિના 8-૦૦ કલાક દરમિયાન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર તેમજ જિલ્લામાં લેવામાં આવનાર તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાલક્ષી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં તા.28મી શરૂ થનાર ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓ પૈકી ધો.10ની પરીક્ષામાં 31,682 વિદ્યાર્થીઓ, ધો.12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 11,632 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 4,547 વિદ્યાર્થીઓ મળી કુલ 47,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
આ બેઠકમાં પરીક્ષા સમિતિના સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણાધિકારી નિવોદિતા ચૌધરી, તમામ ઝોનના ઝોનલ અધિકારીઓ તથા વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખો-મહામંત્રીઓ, એસ.ટી. વિભાગના અધિકારી, એમજીવીસીએલના અધિકારી સહિત સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Maharashtra : સોલાપુરમાં ગમખ્વાર અકસ્માત, દેવદર્શને જઈ રહેલા 4 ભક્તોના ઘટનાસ્થળે મોત