અમદાવાદ (Ahmedabad) શહેરના ઘાટલોડિયા (Ghatlodia)વિસ્તારની ત્રિપદા સ્કૂલના (Tripada School) સંચાલકોના મસમોટા કૌભાંડનો(Scam) પર્દાફાશ થયો છે. લૉકડાઉનમાં પગાર ચૂકવવાના બહાને સ્કૂલે કઈ રીતે અનીતિ આચરી તેનો ખુલાસો થયો છે. લૉકડાઉનમાં જ્યારે સ્કૂલો બંધ હતી અને ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું. શિક્ષકો ઘેર બેઠા બાળકોને ભણાવતા હતા તેવા સમયે તેમને પગાર ચૂકવવાને બદલે પહેલા સ્કૂલે બહાના કાઢ્યા અને પછી પગાર ચૂકવણીનો વારો આવ્યો, ત્યારે શિક્ષકોના નામે જ લોન લેવાનું કૌભાંડ કરી નાખ્યું. સ્કૂલે ‘આત્મનિર્ભર ભારત યોજના’ અંતર્ગત શિક્ષકોના નામે 1 લાખની લોન લીધી. એક શિક્ષકે આ બાબતે CM સુધી ફરિયાદ કરવામાં આવતા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો. લોન લેવા પર વાંધો ઉઠાવનાર શિક્ષક વિનોદ ચાવડાને કાઢી મુકતા તેમણે CMને ફરિયાદ કરી હતી. તેના આધારે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા CM કાર્યાલય તરફથી અમદાવાદ શહેર DEOને આદેશ અપાયો છે.
સ્કૂલના પૂર્વ શિક્ષક વિનોદ ચાવડાએ મુખ્યપ્રધાનને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રિપદા હાઈસ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટે તેમના નામે લોન લઈ સ્કૂલના ખાતામાં જમા કરાવી હતી. આ વાતની જાણ શિક્ષકને થતાં તેમણે વાંધો ઉઠાવતા, સંચાલકે વિનોદ ચાવડાને સ્કૂલમાંથી બરતરફ કરી દીધા. આ શિક્ષક સહિત અન્ય શૈક્ષણિક સ્ટાફ અને સેવકોના નામે લોન લઈ સ્કૂલના ખાતામાં જમા કરાવી.
કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું, તેના પર નજર કરવામાં આવે તો, ફરિયાદ મુજબ, આ ઘટના 14 ઓગસ્ટ, 2020ની છે. લૉકડાઉન લાગુ થયું ત્યારથી બે મહિના સુધી શાળા દ્વારા શિક્ષકોને પગાર ચૂકવાયો નહોતો.તે દરમિયાન સંચાલક દ્વારા એક મીટિંગમાં શિક્ષકોને કહેવામાં આવ્યું કે, તેઓના નામે લોન લેવાની છે, એ પછી તમામ શિક્ષકોનો પગાર થઈ જશે. આ માટે શિક્ષકો માત્ર પાનકાર્ડ, આધારકાર્ડ, બે ફોટા લઈ આવવાનું રહેશે. શિક્ષક વિનોદ ચાવડા આ પ્રમાણે ડોક્યુમેન્ટ લઈ સ્કૂલે ન જતા સંચાલકે ફોન કરી અડધો કલાકમાં તમામ ડોક્યુમેન્ટ્સ સાથે સ્કૂલ પહોંચવા સુચના આપી હતી. વિનોદ ચાવડા સ્કૂલ પહોંચ્યા ત્યારે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્ક, મેમનગર બ્રાન્ચનો સ્ટાફ ત્યાં હાજર હતો. કોઈ પણ આવકના દાખલા વગર કોરા ફોર્મમાં શિક્ષકની સહી લેવામાં આવી. તેમનો ફાઈલનો નંબર 67 હતો. 16મી ઓગસ્ટે મેમનગરની GSC બેંકમાં વિનોદ ચાવડાનું ખાતુ ખોલવામાં આવ્યું. તેના ત્રીજા દિવસે 19 ઓગસ્ટની સાંજે શિક્ષકના ખાતામાં 1 લાખ જમા થયાનો મોબાઈલમાં મેસેજ આવ્યો. જો કે, ચેકબુક સ્કૂલના એડ્રેસ પર આવી હતી. જેથી ચેક પર શિક્ષકોની સહી લઈ લેવાઈ હતી. અને ત્યારબાદ, તમામ શિક્ષકોના ખાતામાં આવેલા રૂપિયા સ્કૂલના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. એ પછી સ્કૂલ દ્વારા શિક્ષકોને પૂરો પગાર 15 હજાર આપવાને બદલે 10 હજાર રૂપિયા જ ચુકવ્યો હતો.
આ પણ વાંચો :
મહેસાણા-ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પરનો બ્રિજ નમ્યો, બ્રિજનું કામ પૂરું થાય તે પહેલા જ બની ઘટના
Ahmedabad : વિશ્વ પુસ્તક દિવસની વિદ્યાર્થીની દ્વારા અનોખી ઉજવણી કરાઇ, આપ્યો સુંદર સંદેશ