દેશમાં ગયા અઠવાડિયામાં ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સરકારી ડેટા અનુસાર દેશમાં ઘણા રાજ્યોમાં ટામેટાના ભાવ (Tomato Price) 250 રૂપિયા જેટલા પહોંચી ગયા હતા. હાલમાં તેના ભાવ ઘટીને 200 રૂપિયા જેટલા થયા છે અને સરેરાશ ભાવમાં પણ ઘટાડો થયો છે. ટામેટાના ભાવને લઈને સરકારે સસ્તા દરે ટામેટા વેચવાનો પણ નિર્ણય લીધો હતો. દેશની રાજધાની દિલ્હી અને નોઈડામાં સરકાર દ્વારા ટામેટા 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યા છે.
કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર દેશના મોટા શહેરોમાં ટામેટાના ભાવ કેટલા થયા છે તે જાણીએ. 19 જુલાઈએ દેશમાં ટામેટાની મહત્તમ કિંમત શ્રીગંગાનગર શહેરમાં 245 રૂપિયા હતી, જે 23 જુલાઈએ કૃષ્ણનગર વિસ્તારમાં ઘટીને 196 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. એટલે કે છેલ્લા 5 દિવસમાં ટામેટાના મહત્તમ ભાવમાં રૂ. 49નો ઘટાડો થયો છે. નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં મહત્તમ ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે.
કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટ અનુસાર સરેરાશ અને લઘુત્તમ કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સરેરાશ કિંમતની વાત કરીએ તો 19 જુલાઈના રોજ દેશમાં સરેરાશ ભાવ 119.29 રૂપિયા પ્રતિ કિલો હતા, જે ઘટીને 116 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આસામ મેઘાલય બોર્ડર પર આવેલા દક્ષિણ શાલામારા માનકાચરમાં 19 જુલાઈના રોજ ટામેટાની લઘુત્તમ કિંમત 40 રૂપિયા હતી, તે જ શહેરમાં 23 જુલાઈએ ઘટીને 32 રૂપિયા થઈ છે.
આ પણ વાંચો : Tomato Price: એક કિલો ટામેટાના ભાવ માત્ર 70 રૂપિયા, આ રીતે ઘરે બેઠા કરો ઓર્ડર
દેશની રાજધાની દિલ્હીમાં ટામેટાની છૂટક કિંમત ઘટીને 120 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ જેવા મહાનગરોમાં ટામેટાની છૂટક કિંમત 160 રૂપિયા છે. કન્ઝ્યુમર અફેર્સ ડેટા અનુસાર, ચેન્નાઈમાં ટમેટાની છૂટક કિંમત 128 રૂપિયા છે. જો એનસીઆરના અન્ય શહેરોની વાત કરીએ તો ગાઝિયાબાદમાં ટામેટાની કિંમત ઘટીને 90 રૂપિયા થઈ છે.
શિમલા અને મંડીમાં ટામેટાની કિંમત 80-80 રૂપિયા પ્રતિ કિલો છે. અમૃતસર, ભટિંડા અને લુધિયાણામાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો આસપાસ છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો ભાવ 150 થી 170 રૂપિયા છે.