સામાન્ય રીતે લોકો પ્રોપર્ટી, સોના-ચાંદી કે શેરબજારમાં રોકાણ કરીને મોટા પ્રમાણમાં રૂપિયા કમાઈ કરોડપતિ બને છે. પરંતુ હાલમાં એક ઘટના સામે આવી છે જેમાં એક ખેડૂત (Farmer) ટામેટાનું વેચાણ કરીને કરોડપતિ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવ (Tomato Price) સતત વધી રહ્યા છે અને તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ઘણા રાજ્યમાં ટામેટાના ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો થયા છે.
એક તરફ આમ જનતા ટામેટાના વધતા ભાવથી પરેશાન છે, ત્યારે તેના કારણે કેટલાક લોકો લખપતિ અને કરોડપતિ બની ગયા છે. પુણેના એક ખેડૂતે દાવો કર્યો છે કે તેમણે ટામેટા વેચીને 2.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમની પાસે હજુ પણ ટામેટાનો સ્ટોક છે અને તે પોતાની કમાણી 3.5 કરોડ રૂપિયા સુધી લઈ જવા માંગે છે.
ઈશ્વર ગાયકર નામના ખેડૂતનું કહેવું છે કે તેમણે એક દિવસમાં આ કમાણી કરી નથી. ખેડૂતે જણાવ્યું કે તે અને તેની પત્ની છેલ્લા 6-7 વર્ષથી 12 એકર જમીનમાં ટામેટા ઉગાડે છે. ઘણી વખત તેમને તેના કારણે નુકસાન પણ સહન કરવું પડ્યું હતું. ખેડૂતે જણાવ્યું કે 2021માં તેને 18થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું પરંતુ તેઓ અટક્યા નહીં.
તેમણે કહ્યું કે આ વર્ષે તેઓએ 12 એકર જમીનમાં ટામેટાનું વાવેતર કર્યું હતું. તેમણે 17,000 કેરેટ ટામેટાનું વેચાણ કર્યું હતું જેની કિંમત રૂ. 770 થી રૂ. 2,311 સુધીની હતી. ટામેટાના વેચાણથી જ અત્યાર સુધીમાં તેઓએ 2.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ખેડૂતે જણાવ્યું કે હાલમાં તેમની પાસે 4000 કેરેટ ટામેટાનો સ્ટોક છે. જો ગણતરી કરવામાં આવે તો આ વર્ષે કમાણી 3.5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમનો પરિવાર આ કામથી ખુશ છે. તેમણે કહ્યુ કે પત્નીની મદદ વિના આ શક્ય નહોતું. તેમની પત્ની પણ ખેતરમાં સાથે જ કામ કરે છે.
આ પણ વાંચો : Onion Price: ડુંગળી ટામેટા જેટલી મોંઘી નહીં થાય, કેન્દ્ર સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન
ઈશ્વર ગાયકરે કહ્યુ કે, મને લાગતું હતું કે ટામેટા 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે, પરંતુ આ સિઝનમાં નસીબ બદલાઈ ગયું. અગાઉ તેઓ માત્ર 1 એકરમાં ટામેટા ઉગાડતા હતા. બાદમાં તેમણે 12 એકરમાં વાવેતર શરૂ કર્યું.સાથે જ તેઓ ડુંગળી અને ફૂલોની ખેતી પણ કરે છે. હાલમાં દેશમાં ટામેટાની કિંમત 200 રૂપિયાથી વધુ છે.