પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવા લોકોને આપવામાં આવે છે જેમણે પ્રતિકૂળ સંજોગોમાં પણ દેશમાં અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું હોય છે. અબ્દુલ ખાદરને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પદ્મશ્રી એવોર્ડ(Padma Shri Award)થી સન્માનિત કરવામાં આવ્યા. કર્ણાટકના ધારવાડ જિલ્લાના રહેવાસી અબ્દુલએ કૃષિ ક્ષેત્રમાં જમીની સ્તર પર અનેક બદલાવ કર્યા છે. તેમના નામ પર 40 થી વધુ શોધ નોંધાયેલ છે. તેમણે કૃષિ ક્ષેત્રે કરેલા નવા પ્રયોગો દેશના નાના અને સીમાંત ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યા છે. અબ્દુલ ખાદીરની આ શોધ ખેડૂતો માટે ખૂબ જ વ્યવહારુ માનવામાં આવે છે.
અબ્દુલ ખાદર દ્વારા કરવામાં આવેલી નવી શોધમાં આમલીના બીજને અલગ કરવાના સાધનો, ખેડાણ બ્લેડ બનાવવાનું મશીન, સીડ કો ફર્ટિલાઈઝર ડ્રીલ, વોટર હીટિંગ બોઈલર, ઓટોમેટીક શેરડી વાવણી ડ્રીલર અને વ્હીલ ટીલર જેવા કૃષિ સાધનો (Agriculture Equipment) સામેલ છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ કૃષિ ઓજારો ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમના ખેતરોમાં સરળતાથી લાગુ પડે છે.
અબ્દુલ ખાદરની શોધની વિશેષતા એ છે કે તેમના દ્વારા કરાયેલી શોધ પર્યાવરણીયને ઓછુ નુકસાન પહોંચાડે છે અને અસરકારક પણ છે. તેથી જ ખેડૂતો તેને સરળતાથી સ્વીકારે છે. તેમની મુખ્ય વિશેષતા કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓને આધારે ચોક્કસ બીજની ખેતી અને ખેતી પહેલાંની જમીનની લાક્ષણિકતાઓ ચકાસવા માટે છે.
તેમની પહેલી શોધ એલાર્મ હતી જે તેમની મોડે સુધી સુવાની સમસ્યાને દૂર કરવા માટે તેઓએ પોતાના માટે બનાવી હતી. તેના માટે તેઓએ પાણીની બોટલમાં એલાર્મની ચાવીના છેડે એક પાતળી દોરી એ પ્રકારે બાંધી કે એલાર્મ વાગતા જ ચહેરા પર પાણી પડવા લાગે. તેઓએ એગ્રો-ટેકનોલોજી અને સાધનો પણ બનાવ્યા. જે હાલના સાધનોની સરખામણીમાં આધુનિક છે.
અબ્દુલ ખાદર નાદકત્તિનને NIF ના 8મા રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પરંપરાગત જ્ઞાન પુરસ્કારો દરમિયાન 2015માં તત્કાલિન ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.
તેમના જીવનમાં એક એવો સમય હતો જ્યારે તેમણે પોતાના પ્રયોગો માટે વધુ ખર્ચ કર્યો, જેના કારણે તેમની પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી. પરિવારને ખાવાના પણ ફાફા પડવા લાગ્યા હતા. કૃષિ પ્રોફેસરની સલાહ પર તેમના પુત્રો સાથે મળીને, તેમણે એક નાના પાયે કારખાનું સ્થાપ્યું જ્યાં તેમણે કૃષિ સાધનો બનાવી અને ખેડૂતોને વેચવા લાગ્યા.
ત્યારથી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેના પુત્રો સાથે મળીને વિશ્વશાંતિ કૃષિ અનુસંધાન અને ઔદ્યોગિક વિકાસ કેન્દ્રની સ્થાપના કરી, જે કૃષિ મશીનરીના ક્ષેત્રમાં સંશોધન કરે છે.
અબ્દુલ ખાદરનો જન્મ શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમને ભણવામાં ખૂબ રસ હતો, છતાં તેમણે માત્ર દસમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો તેમના પિતા ઈચ્છતા ન હતા કે તેમનો એકમાત્ર પુત્ર 9 થી 5 નોકરી કરે. જેથી તેઓએ કૃષિ ક્ષેત્રે આગળ વધવાનું મન બનાવ્યું અને અબ્દુલ ખાદરે 15 વર્ષની ઉંમરે જ કૃષિ સાધનો વિકસાવવાનું શરૂ કરી દીધું.
જો કે, આ પ્રક્રિયામાં તેમણે પોતાની પૈતૃક 60 એકર જમીન તેમજ તેમનું ઘર ગુમાવ્યું હતું. આર્થિક સ્થિતિ બગડ્યા પછી પણ તેમણે હિંમત ન હારી અને બે કરોડ રૂપિયાની લોન લઈને પોતાનું કામ ચાલુ રાખ્યું. અને આ સિદ્ધિ હાંસલ કરી.
આ પણ વાંચો: લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવ વધ્યા, પ્રતિ કિલોએ 5થી10 રૂપિયાનો થયો વધારો
Published On - 8:12 am, Tue, 29 March 22