
ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દરેક લોકો વિચારે છે કે તેને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળે અને લાખો રૂપિયાનો પગાર મળે. ઘણા લોકોને દેશમાં જ જોબ મળી જાય છે, તો કેટલાક યુવાનો નોકરી માટે વિદેશ જતા હોય છે, જેથી તેઓ વધુ રૂપિયા કમાઈ શકે. આજે આપણે એક યુવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે લાખો રૂપિયાનો પગાર છોડી અને બ્રિટનથી ભારત આવ્યો છે. દેશમાં પરત ફર્યા બાદ તેને પોતાના ગામમાં જૈવિક ખેતી (Organic Framing) શરૂ કરી છે.
આ યુવા ખેડૂત જૈવિક ખેતી દ્વારા સારી આવક પણ મેળવી રહ્યો છે. ખેતી ઉપરાંત તે હવે અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતીને કેવી રીતે નફાકારક બનાવી શકાય તેની તાલીમ આપી રહ્યો છે. અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેનું નામ મનીષ શર્મા છે. તે રાજસ્થાનના નાગૌર જિલ્લાનો રહેવાસી છે.
ભારત પરત આવ્યા પહેલા તે બ્રિટનમાં એપલ કંપનીમાં નોકરી કરતો હતો. તેનો એક મહિનાનો પગાર 6 લાખ રૂપિયા હતો, એટલે કે વર્ષના 72 લાખ રૂપિયા. તેમ છતા તેના માતા-પિતાની સેવા કરવા અને તેમની સાથે રહેવા માટે મનીષ શર્માએ બ્રિટનમાં નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ પોતાના ગામમાં પાછા આવીને ખેતી શરૂ કરી હતી. ખેતીમાં તેને દોઢ વર્ષથી વધારે સમય થયો છે અને તેમાંથી તેને સારો નફો પણ મળી રહ્યો છે.
મનીષ શર્માએ સ્કૂલનો અભ્યાસ શેઠ કિશનલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, નાગૌરમાંથી કર્યો છે. ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે MDHSમાંથી BBA કર્યું હતું. મનીષ શર્માએ 3 વર્ષ સુધી CAS કર્યું, પરંતુ તેણે તે છોડી અને કાર્ડિફ યુનિવર્સિટી, યુકેમાંથી IBM, MSC, MBA અને PHD પૂર્ણ કર્યું. ત્યારબાદ મનીષને 72 લાખ રૂપિયાના વાર્ષિક પગાર પર બ્રિટનમાં એપલ કંપનીમાં નોકરી મળી હતી.
મનીષ કહે છે કે, હાલમાં તે અનેક પ્રકારના પાકની ખેતી કરી રહ્યો છે. તે બાજરી, કપાસ, જીરું અને ઘઉં સહિતના વિવિધ પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત તે 40 પ્રકારની શાકભાજી પણ ઉગાડે છે. મનીષ કહે છે કે, છેલ્લા દોઢ વર્ષમાં તેણે ઓર્ગેનિક ફાર્મિંગ કરીને 15 લાખ રૂપિયાની કમાણી કરી છે.